
- કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટેની રિવાઇઝ્ડ ગાઇડલાઇન જાહેર
- આ નવી ગાઇડલાઇનમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરવામાં આવી
- કોરોનાની પહેલી લહેર દરમિયાન પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરાતો હતો
નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેર દરમિયાન કોરોના સંક્રમિતોની સારવાર માટે પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે કારગર માનવામાં આવતું હતું, જો કે હવે કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરેપીને હટાવી દીધી છે. થોડા દિવસ પહેલા યોજાયેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં પ્લાઝમા થેરેપીની અસરકારકતાને લઇને ચર્ચા થઇ હતી અને તેનાથી ફાયદો નથી થતો તેવું કહેવાયું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ મોનિટરિંગ ગ્રૂપે કોવિડ-19 દર્દીઓના મેનેજમેન્ટ માટે રિવાઇઝ્ડ ક્લિનિકલ ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં પ્લાઝમા થેરેપીનો ઉલ્લેખ નથી કરાયો. જ્યારે પહેલા પ્રોટોકોલમાં તે સામેલ હતી.
એમ્સ/આઈસીએમઆર-કોવિડ 19 નેશનલ ટાસ્ક ફોર્સ/ જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારે એડલ્ટ કોરોના દર્દીઓના મેનેજમેન્ટ માટે ક્લિનિકલ ગાઈડન્સમાં ફેરફાર કર્યો છે. સાથે જ આઈસીએમઆરએ કોવિડ સારવાર પ્રોટોકોલના એક ભાગના રૂપમાંથી પ્લાઝ્મા થેરેપીને હટાવી દીધી છે.
ICMR અને નેશનલ વર્કફોર્સની બેઠકમાં બધા સભ્ય એ બાબત પર એકમત હતા કે, કોવિડ-19ના વયસ્ક દર્દીઓની સારવાર મેનેજમેન્ટ સંબંધી તબીબી દિશા-નિર્દેશોમાંથી પ્લાઝમા થેરેપીના ઉપયોગને હટાવી દેવો જોઇએ, કેમ કે તે અસરકારક નથી.
પ્લાઝ્મા થેરેપીને કાયલસેન્ટ પ્લાઝ્મા થેરેપી પણ કહેવાય છે. તેમાં કોરોનામાંથી સાજી થઈ ચૂકેલી વ્યક્તિના શરીરમાંથી પ્લાઝ્મા કાઢીને સંક્રમિત વ્યક્તિની બોડીમાં ઈન્જેક્શનની મદદથી ઈન્જેક્ટ કરાય છે.