
- આખરે રદ થઇ ગયા ત્રણ કૃષિ કાયદા
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર લગાવી અંતિમ મોહર
- 1 વર્ષથી ખેડૂતો કરી રહ્યા હતા કાયદાનો વિરોધ
નવી દિલ્હી: ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. અંતે કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ હવે આ ત્રણ કૃષિ કાયદાઓ રદ થઇ ચૂક્યા છે. અગાઉ 29 નવેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ લોકસભા તેમજ રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન અનેક બિલો પસાર કરવાના હતા જેમાં પ્રથમ દિવસે કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરાયું હતું. પહેલા લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. તેમાં પણ સંસદના સભ્યોએ હંગામો કર્યો હતો અને ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા હતા.
જો કે આ કૃષિ કાયદા રદ કરવા પાછળ વિપક્ષે એવો આક્ષેપ લગાવ્યો છે કે વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી હોવાથી સરકારે પોતાના ફાયદા માટે અને નુકસાનથી બચવા માટે આ કાયદાઓ રદ કર્યા છે.
બુધવારના સિંધુ બોર્ડર પર યોજાનાર ખેડૂતોના 40 સંગઠનોની બેઠક રદ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના કેટલાક સંગઠનોએ આ બેઠકથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંયુક્ત કિસાન મોરચાની બેઠક 4 ડિસેમ્બરના યોજાશે, જેમાં આંદોલન પૂર્ણ કરવું કે નહીં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કૃષિ કાયદાને રદ કર્યા બાદ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પાછું ખેંચવાને લઇને ખેડૂત સંગઠનોમાં ભારે મતભેદ સામે આવ્યો છે.