
PM મોદી 497 દિવસ બાદ વિદેશ પ્રવાસ પર, બાંગ્લાદેશમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે
- પીએમ મોદી આજથી બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસ પર
- બંને દેશો વચ્ચે ઓછામાં ઓછા પાંચ સહમતિ પત્રો પર થઇ શકે હસ્તાક્ષર
- કોરોના સંક્રમણ વચ્ચે 497 દિવસ બાદ પીએમ મોદી વિદેશ પ્રવાસ પર
નવી દિલ્હી: પીએમ મોદી આજથી 2 દિવસના બાંગ્લાદેશ પ્રવાસ માટે ઢાકા જવા રવાના થઇ ગયા છે. વિશ્વમાં કોરોના સંક્રમણ વચ્ચે 497 દિવસ બાદ પીએમ મોદી વિદેશ પ્રવાસ પર છે. આ પહેલા તેઓ વર્ષ 2019માં બ્રાઝિલના પ્રવાસે ગયા હતા. ગત વર્ષથી પીએમ મોદી વિશ્વના મહત્વના કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ હિસ્સો લઇ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાંગ્લાદેશે કહ્યું હતું કે પીએમ મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન નવી દિલ્હી તેમજ ઢાકાની વચ્ચે ઓછામાં ઓછા પાંચ સહમતિ પત્રો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સ્વતંત્રતાની સ્વર્ણ જયંતી સમારોહ અને તેના સંસ્થાપક શ ખ મુજીબુર રહમાનની જન્મશતી સમારોહમાં સામેલ થવા શુક્રવારે ઢાકા પહોંચશે. વડાપ્રધાન મોદી 26થી 27 માર્ચ સુધીની પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીના સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા પણ કરશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ. એ.કે. અબ્દુલ મોમેને કહ્યું કે, એમઓયુની સંખ્યા ઓછી કે વધારે થઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછા પાંચ એમઓયૂ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસ દરમિયાન શેખ હસીનાની સાથે અલગ-અલગ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરશે.
(સંકેત)