નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો વાર – પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?
- નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ
- પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?
- નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પણ સુરક્ષિત નથી
નવી દિલ્હી: નાગાલેન્ડમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયેલા 11 નાગરિકો અને એક જવાનના મૃત્યુ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું હતું કે, જ્યારે સામાન્ય નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ પણ પોતાની જમીન પર સુરક્ષિત નથી ત્યારે ગૃહ મંત્રાલય આખરે શું કરી રહ્યું છે?
રાહુલ ગાંધીએ સરકારને વેધક સવાલો કર્યા હતા કે, આ ખૂબ જ દુ:ખદ છે, ભારત સરકારે સત્ય સાથે જવાબ આપવો જોઇએ. જ્યારે ન તો સામાન્ય લોકો અને ન તો સુરક્ષા દળો પોતાના ઘરમાં સુરક્ષિત છે, તો પછી ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?
બીજી તરફ નાગરિકોના મૃત્યુ અંગે ભારતીય સેનાએ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો અને આ ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો. સેનાએ કહ્યું હતું કે, મૃત્યુની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કારણની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે અને કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગઠિત SIT મામલાની તપાસ કરશે. તેમણે ટ્વીટ કર્યું, નાગાલેન્ડના મોનની ઓટિંગમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી દુઃખી છું. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.