Site icon Revoi.in

રશિયા સાથે વેપારને લઈને ભારત, ચીન અને બ્રાઝિલને નાટોએ આપી ચેતવણી

Social Share

નવી દિલ્હીઃ નાટોના મહાસચિવ માર્ક રુટે ચેતવણી આપી હતી કે જો ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે, તો તેમના પર ભારે સેકંડરી પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. તેમણે આ નિવેદન યુએસ સંસદમાં સેનેટરો સાથેની બેઠક દરમિયાન આપ્યું હતું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને નવા શસ્ત્રો આપવાની જાહેરાત કરી છે અને જો 50 દિવસમાં શાંતિ કરાર ન થાય તો રશિયન નિકાસ ખરીદતા દેશો પર 100% કર (ગૌણ ટેરિફ) લાદવાની ધમકી પણ આપી છે.

માર્ક રુટે કહ્યું કે તેમને ડર છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ 50 દિવસોનો ઉપયોગ યુદ્ધમાં વધુ જમીન કબજે કરવા અને શાંતિ મંત્રણાને પોતાના પક્ષમાં ફેરવવા માટે માટે કરી શકે છે. તેમણે કહ્યું, “આજે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિને જોતા, આપણે કહેવું જોઈએ કે પુતિન આગામી 50 દિવસમાં જે કંઈ પણ કરે છે, અમે તેને વાટાઘાટોના ટેબલ પર માન્યતા આપીશું નહીં.”

રુટ્ટે કહ્યું કે અમેરિકા અને યુરોપ વચ્ચે એક નવો કરાર થયો છે, જેના હેઠળ અમેરિકા યુક્રેનને મોટી માત્રામાં હથિયારો આપશે, માત્ર હવાઈ સંરક્ષણ જ નહીં, પરંતુ મિસાઇલો, દારૂગોળો અને અન્ય હથિયારો પણ. યુરોપિયન દેશો તેના માટે ચૂકવણી કરશે. તેમણે કહ્યું કે લાંબા અંતરની મિસાઇલો પર પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ તેની વિગતો પેન્ટાગોન, નાટોના સુપ્રીમ કમાન્ડર અને યુક્રેન દ્વારા એકસાથે નક્કી કરવામાં આવી રહી છે.

રુટ્ટે ત્રણેય દેશોને સીધી ચેતવણી આપી અને કહ્યું, “જો તમે બેઇજિંગ, દિલ્હી અથવા બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો, તો હવે વિચારવાનો સમય છે કારણ કે આ તમારા માટે ખૂબ મોંઘુ પડી શકે છે.” તેમણે અપીલ કરી કે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોએ પુતિન સાથે વાત કરવી જોઈએ અને તેમને શાંતિ મંત્રણાને ગંભીરતાથી લેવાનું કહેવું જોઈએ, નહીં તો આ દેશોને મોટો આર્થિક ફટકો પડી શકે છે.

Exit mobile version