ઇસ્લામોફોબિયાના નામે જૂઠાણું ફેલાવનાર પડોશી દેશ પોતાના આંગણે જ કરી રહ્યો છે અત્યાચારઃ ભારત
ન્યૂયોર્ક, 17 માર્ચ 2026: સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં ‘ઇસ્લામોફોબિયા વિરોધી દિવસ’ નિમિત્તે આયોજિત મહાસભામાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વિશ્વ મંચ પર ખુલ્લું પાડ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આપણો પડોશી દેશ ‘ઇસ્લામોફોબિયા’ના નામે મનગડંત વાર્તાઓ રચી રહ્યો છે, જ્યારે વાસ્તવમાં તે પોતાના જ દેશમાં લઘુમતી અહમદિયા સમુદાયનું ક્રૂર દમન કરી રહ્યો છે.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વતનેની હરીશે મજબૂત પક્ષ રાખતા કહ્યું કે, “ભારત એવો દેશ છે જ્યાં વિશ્વના તમામ મોટા ધર્મોના અનુયાયીઓ શાંતિપૂર્વક સાથે રહે છે. અમે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ એમ ચાર મોટા ધર્મોની જન્મભૂમિ છીએ. ધર્મના નામે થતી કોઈપણ હિંસા કે નફરતને ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે.” તેમણે ઉમેર્યું કે ભારતની ‘સર્વ ધર્મ સમભાવ’ની સંસ્કૃતિ જ બંધારણની બિનસાંપ્રદાયિક ભાવનાનું મૂળ છે.
PR @AmbHarishP delivered 🇮🇳’s statement at the International Day to Combat Islamophobia in the @UN General Assembly today.
Link to the statement: https://t.co/cPdlbHsHQu @MEAIndia @IndianDiplomacy pic.twitter.com/LZKVON0p7O
— India at UN, NY (@IndiaUNNewYork) March 16, 2026
ભારતે પડોશી દેશની બેવડી નીતિ પર નિશાન સાધતા કહ્યું કે, “જે દેશ પાડોશમાં ઇસ્લામોફોબિયાની બૂમો પાડે છે, તે જ દેશ અત્યારે બેસહારા અફઘાનો પર અત્યાચાર કરી રહ્યો છે. એટલું જ નહીં, રમઝાન જેવા પવિત્ર માસમાં પણ તેમના પર તબાતોડ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. શું આને માનવતા કહેવાય?” ભારતે સ્પષ્ટ કર્યું કે ધર્મનું રાજનીતિકરણ કરવાથી સમસ્યાઓ ઉકેલાતી નથી, પરંતુ વધુ વિભાજન પેદા થાય છે.
ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે વાત કરતા હરીશે જણાવ્યું કે, “ભારત 20 કરોડથી વધુ મુસ્લિમોનું ઘર છે, જે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તીમાંની એક છે. જમ્મુ-કાશ્મીર સહિત ભારતના તમામ મુસ્લિમો પોતાના પ્રતિનિધિઓ જાતે ચૂંટે છે. પાકિસ્તાન દ્વારા ઓઆઈસી (ઇસ્લામિક સહયોગ સંગઠન) નો ઉપયોગ ભારત વિરુદ્ધ હથિયાર તરીકે કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. અહીં જે એકમાત્ર ‘ફોબિયા’ દેખાય છે, તે ભારતની શાંતિપૂર્ણ અને બહુસાંસ્કૃતિક ઓળખ સામેનો છે.”
ભારતે સંયુક્ત રાષ્ટ્રને અનુરોધ કર્યો કે તે કોઈપણ એક ધર્મ પર કેન્દ્રિત થવાને બદલે ‘રિલિજિયોફોબિયા’ (ધર્મ-ભય) ના તમામ સ્વરૂપો સામે સમાન દ્રષ્ટિકોણ રાખે. યુએનની વિશ્વસનીયતા તેની સાર્વત્રિકતા અને નિષ્પક્ષતા પર ટકેલી છે. ‘ગ્લોબલ પબ્લિક ગુડ્સ’ સૂર્યના પ્રકાશની જેમ કોઈ પણ ભેદભાવ વગર તમામ માટે સમાન હોવા જોઈએ.
આ પ્રસંગે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ દુનિયાભરમાં મુસ્લિમો વિરુદ્ધ થતા ભેદભાવ અને પૂર્વગ્રહ સામે લડવા હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે નફરત ફેલાવવી એ સામાજિક એકતા અને માનવાધિકાર માટે મોટો ખતરો છે.
આ પણ વાંચોઃ ઇરાક: બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલો, વિસ્ફોટો બાદ લાગી આગ


