ગાંધીધામ, 27 જાન્યુઆરી 2026: કચ્છના ગાંધીધામમાં રોટરીનગર વિસ્તારમાં ઘર બહાર બેસવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક યુવાનને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરાતા ગંભીર હાલતે યુવાનને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે મહિલા સહિત ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં અગાઉ ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ગઈકાલે 25 જાન્યુઆરીના રોજ 50 વર્ષીય કરસનને પકડીને માર માર્યો હતો. ત્યારબાદ ભાગીને કરશન પોતાના ઘરના બાથરૂમમાં ગયો, ત્યારે આરોપીઓએ પાછળ જઈ તેના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ગંભીર હુમલામાં કરશન આખા શરીરે ખરાબ રીતે દાઝી ગયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે મામલતદારની હાજરીમાં ગંભીરરીતે દાઝેલા કરસનભાઈનું મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ સવારે તેમનું મોત થયું હતું.
આ બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મર્ડરનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

