
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મજયંતિ: પીએમ મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ
- આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ
- PM મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ
- સંસદ ભવનમાં યોજાશે પુષ્પાંજલિ સમારોહ
દિલ્હી: નેતાજીના નામથી જાણીતા સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ છે.કેન્દ્ર સરકારે બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આ વર્ષથી શરૂ થતા પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે.બોઝની જન્મજયંતિ પર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ પુષ્પાંજલિ સમારોહ 23 જાન્યુઆરીના રોજ સવારે 10.30 કલાકે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.તેમણે કહ્યું હતું કે,જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23મી જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.
સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા તે છત્રમાં સ્થાપિત કરવામાં આવશે જ્યાં પહેલા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી.જ્યોર્જ પંચમની મૂર્તિ 1968માં હટાવવામાં આવી હતી, ત્યારથી આ છત્ર ખાલી છે. હોલોગ્રાફિક એ ડિજિટલ ટેકનોલોજીનો એક પ્રકાર છે. તે પ્રોજેક્ટરની જેમ કામ કરે છે, જેમાં કોઈપણ વસ્તુને 3D આકાર આપી શકાય છે. આ ટેક્નિકથી એવું લાગે છે કે તમારી સામેની વસ્તુ વાસ્તવિક છે, પરંતુ તે માત્ર એક 3D ડિજિટલ ઇમેજ છે.
ખૂનના બદલામાં આઝાદી આપવાનું વચન આપનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે.23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટકમાં એક સમૃદ્ધ બંગાળી પરિવારમાં જન્મેલા સુભાષ પોતાના દેશની આઝાદી ઈચ્છતા હતા.તેમણે પોતાનું આખું જીવન દેશના નામ માટે સમર્પિત કર્યું અને છેલ્લા શ્વાસ સુધી દેશની આઝાદી માટે લડતા રહ્યા.