
રાજકોટ ST ડિવિઝનની કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર, હવે જુની કચેરી તોડીને બસ સ્ટેશન બનાવાશે
રાજકોટઃ શહેરમાં એસટી ડિવિઝનની વિભાગિય કચેરીનું બિલ્ડિંગ જર્જરિત બનતા રૂપિયા 7 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. નવા બિલ્ડિંગમાં ટુંક સમયમાં એસટી ડિવિઝનની વિભાગીય કચેરી કાર્યરત થઈ જશે. જ્યારે ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે જ્યાં એસટી બસ સ્ટેશન બનાવવામાં આવશે.
રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ એસટી વિભાગની જૂની વહીવટી કચેરી જ્યાં આવેલી છે, તેનુ ડિમોલિશન કરી નાખવામાં આવશે અને તે જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે. જે અંગે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ સમક્ષ પ્રપોઝલ મૂકવામાં આવી છે. ગોંડલ રોડથી સૌરાષ્ટ્ર તરફ એટલે કે, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ઉના અને દીવની જે બસો પસાર થાય છે તે મુસાફરોને વધુ સુવિધા મળી રહે તે માટે હાલ જ્યાં વહીવટી કચેરી આવેલી છે, ત્યાં સેટેલાઈટ બસ સ્ટેશન બનાવવામાં આવશે