Site icon Revoi.in

પાટણ જિલ્લામાં વિદ્યાર્થિનીઓને આપવાની નવી નક્કોર સાયકલો ભંગારમાં વેચાઈ

Social Share

પાટણઃ ગુજરાતમાં સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ-9મી વિદ્યાર્થિનીઓને સાયકલ ફાળવવામાં આવે છે. પછાત વર્ગની દીકરીઓ સાયકલ લઈને શાળામાં અભ્યાસ માટે જઈ શકે તે માટે આ યોજના આવકાર દાયક હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સાયકલોનું વિકરણ કરવામાં આવ્યું નથી. બીજી બાજુ લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી નક્કોર સાયકલો પડી પડી ભંગાર બની ગઈ છે. પાટણ જિલ્લામાં ધોરણ-9 વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિતરણ માટે વર્ષ 2014-15માં સરકારે આપેલ 12.60 લાખની 504 સરકારી સાયકલ જિલ્લાની 6 શાળાઓમાં છેલ્લા 9 વર્ષથી પડી રહેતા ભંગાર બની જતાં શિક્ષણ વિભાગ દ્વારા તેની હરાજી પણ કરીને રૂ.2.79 લાખમાં વેચી દેવામાં આવી છે.

પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વર્ષોથી પટારામાં ભરીને રાખેલી નવી નક્કોર સાયકલોની કોઈ દરકાર જ ન લેતા વિદ્યાર્થિનીઓને વિતરણ થઈ શકી નહતી. અને સાયકલો ભંગાર બની ગઈ હતી. આથી ભંગાર બનેલી સાયકલો વેચી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હરાજીમાં અંદાજે સરકારને 9.80 લાખનું નુકસાન થયું છે. ગંભીર બેદરકારી બાબતે જિલ્લા કલેકટર અરવિદ વિજયનના દ્વારા શિક્ષણ તંત્ર પાસે રિપોર્ટ માંગ્યો છે. જો કે આ સ્થિતિ માત્ર પાટણ જિલ્લામાં જ નહીં પણ દરેક જિલ્લામાં છે.

રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એસ.સી, એસ.ટી ઓ.બી.સી અને આર્થિક પછાત વર્ગની ધોરણ-8માંથી 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થિનીઓને ઘરેથી શાળાએ અપડાઉન કરવા માટે પ્રવેશોત્સવમાં સાયકલ અપાય છે.પરંતુ વર્ષ 2014-15માં સરકારે બિન અનામત વર્ગની આર્થિક પછાત વિદ્યાર્થીનીઓને પણ આ સાયકલો આપવાનો નિર્ણય કર્યો હતો. જેની જવાબદારી શિક્ષણ વિભાગને આપી હતી. પરંતુ બિન અનામત વર્ગની વિદ્યાર્થીનીઓને આપવા માટે આવેલી સાયકલો પાટણ જિલ્લામાં પ્રવેશોત્સવ બાદ પહોંચી હતી. જેથી સમાજ કલ્યાણ વિભાગે પ્રવેશોત્સવ સમયે આર્થિક પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને જે સાયકલો આપી હતી તેમાં બિન અનામત વર્ગની આર્થિક પછાત વિદ્યાર્થિનીઓ સુધી સરસ્વતી સાધના યોજનાની સાયકલો પહોંચી ગઈ હતી. એક જ યોજનામાં એક વિદ્યાર્થિની પાસે અલગ અલગ વિભાગમાંથી 2 સાયકલો ન જાય તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે 504 સાયકલો વિતરણ ન કરી પડી રાખી હતી. વર્ષ 2014-15થી એટલે કે 9 વર્ષથી પાટણ જિલ્લામાં અલગ અલગ શાળાઓમાં સરકારી સાઇકલો પડી રહેતાં ભંગાર થઈ ગઈ છે. શિક્ષણ વિભાગની મંજૂરીથી જિલ્લા પ્રાથમિક તંત્ર દ્વારા એક સાયકલની રૂ.525 અપસેટ કિંમત નક્કી કરી હરાજીમાં 504 સાઇકલોનું વેચાણ કરતા રૂ.2.79 લાખ ઉપજતા જેને સરકારમાં જમા કરાવ્યા છે.તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે તંત્રની બેદરકારીના કારણે 9 વર્ષ સુધી સાયકલો પડી રહેતા સરકારના લાખો રૂપિયા વેડફાયા અને સાયકલો ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કામ પણ ન આવી આ બાબતે ધારાસભ્યને રજૂઆત કરાઈ છે.

#SaraswatiSadhanaScheme | #CycleMismanagement | #EducationWastage | #GovernmentFailure | #PatanNews | #CycleAuction | #TaxpayerMoney | #EducationalAid | #StudentCycle | #BureaucraticNegligence | #CycleWastage | #PublicFunds | #SocialWelfare | #CycleDistribution | #PatanDistrict