Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં નવી ભરતી થયેલા વિદ્યાસહાયકો પગારથી વંચિત

Social Share

ભાવનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી વિદ્યા સહાયકોનો પગાર થયો નથી. તંત્ર દ્વારા મેડિકલ તપાસનું બહાનું કાઢવામાં આવે છે તો વહેલી તકે મેડિકલ તપાસ કરાવવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવી જોઈએ. સાતમ-આઠમના તહેવારોના સમયમાં જ વિદ્યા સહાયકો પગારથી વંચિત છે.

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. જેમાંથી ઘણા વિદ્યા સહાયકો ગત તારીખ 18મી જુલાઈથી હાજર થઈ ગયા છે .આ વિદ્યા સહાયકોનો પગાર હજુ થયો નથી. તંત્ર દ્વારા એવું જણાવવામાં આવે છે કે, મેડિકલ તપાસ થઈ ન હોવાથી પગાર કરેલો નથી. આ વિદ્યા સહાયકોએ મેડિકલ તપાસના ફોર્મ ભરી આપી દીધેલા છે, પરંતુ તાજેતરમાં જુદા જુદા ઘણા વિભાગોમાં ભરતી થયેલી હોય એ લોકોની પણ મેડિકલ તપાસ બાકી છે તેથી ક્રમ પ્રમાણે જ્યારે વારો આવશે ત્યારે આવા વિદ્યા સહાયકોને મેડિકલ તપાસ માટે બોલાવવામાં આવશે. ક્યારે વારો આવશે એ હજી કાંઈ નક્કી નથી. સાતમ આઠમના પર્વે જ વિદ્યા સહાયકોને નાણાની આવશ્યકતા સમયે પગાર મળ્યો નથી. મેડિકલ તપાસના વાકે વિદ્યા સહાયકોનો પગાર થયો નથી તો તંત્ર દ્વારા ત્વરિત મેડિકલ તપાસની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તેવી માગ ઊઠી છે.