સુરત, 25 જાન્યુઆરી 2026: શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે શહેરના રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા બાતમીના આધારે મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલી એક વિદેશી મહિલાની જડતી લેતા તેની પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યુ છે.
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને બાતમી મળી હતી કે, મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલી એક નાઈઝિરિયન મહિલા પાસે કરોડોની કિંમતનું ડ્રગ્સ છે. આથી સુરત રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રેલવે સ્ટેશન પર મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેન આવતા જ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ રૂપિયા 2.30 કરોડની કિંમતના નશીલા પદાર્થો સાથે એક નાઇઝિરિયન યુવતીને દબોચી દીધી હતી.
ડીઆરઆઈના અધિકારીઓએ ટ્રેનમાં એચ-1 કોચમાં દરોડો પાડ્યો તે દરમિયાન નાઇઝિરિયન મહિલાએ ઉગ્ર વિરોધ કરી બૂમ-બરાડા પાડતા પ્લેટફોર્મ પર લોકોના ટોળાં વળી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે, મહિલાને ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે પાંચ મહિલા પોલીસ કર્મીઓની મદદ લેવી પડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 50 ગ્રામ કોકેઇન અને 903 ગ્રામ મેથાપેથામાઇન મળી આવ્યું હતું. ધરપકડ બાદ યુવતીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. હાલમાં ડીઆરઆઈ દ્વારા એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે કે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈમાં કોને પહોંચાડવાનો હતો. જોકે, યુવતી પૂછપરછમાં સહકાર આપી રહી નથી, પરંતુ સુરત ડીઆરઆઈએ આ મામલે મુંબઈ ડીઆરઆઈને જાણ કરી દીધી છે. આ કેસના તાર મોટા નેટવર્ક સાથે જોડાયેલા હોવાની આશંકા છે, જેના કારણે આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

