- સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી, બે ઋતુનો અનુભવ,
- બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોનની શક્યતા અસર ગુજરાતમાં થશેઃ અંબાલાલ
- ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થઈ શકે છે
અમદાવાદઃ ગુજરાતમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુ અનુભવાય રહી છે, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયુ હતુ, જ્યારે આજે રાજ્યમાં મહત્તમ તાપમાન સરેરાશ 30 ડિગ્રી આસપાસ નોંધાયુ હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે ઠંડીમાં વધારો થયો છે. વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ 26 નવેમ્બરથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને નવેમ્બરના અંત અને ડિસેમ્બરના પ્રારંભમાં માવઠુ પડવાની શકયતા છે.
હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા, બંગાળના ઉપસાગરમાં આજથી હલચલ જોવા મળશે. સમુદ્રમાં ફરીથી લો પ્રેશર બનવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા તાપમાન વધી શકે છે. બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોનની શક્યતા છે. તેની અસર ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં થઈ શકે છે. આ કારણે ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થઈ શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં માવઠું થઈ શકે છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં માવઠું થઈ શકે છે. 6 થી 10 ડિસેમ્બરની વચ્ચે માવઠાની શક્યતા છે. 26 નવેમ્બરથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખા જ્યાં 22.8 ડિગ્રી અને દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. એટલે કહી શકાય કે, અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો માહોલ અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

