પાકિસ્તાન સહિતના દેશોને અમેરીકી સહાયનો નિક્કી હેલીએ વિરોધ નોંધાવ્યો
નવી દિલ્હીઃ અમેરિકન રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલી સતત પાકિસ્તાન અને અન્ય દેશોને આપવામાં આવતી આર્થિક મદદ સામે અવાજ ઉઠાવી રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, જો સત્તામાં આવશે, તો યુએસ પાકિસ્તાન જેવા “ખરાબ લોકોને” કરોડો ડોલર નહીં આપે. સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ રાજદૂતે ટ્વિટ કર્યું, ‘એક નબળું અમેરિકા ખરાબ લોકોને ચૂકવે છે: ગયા વર્ષે એકલા પાકિસ્તાન, ઇરાક અને ઝિમ્બાબ્વેને લાખો આપ્યા. એક મજબૂત અમેરિકા વિશ્વનું એટીએમ નહીં હોય.
હેલીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘અમેરિકા વિશ્વનું એટીએમ ન બની શકે. રાષ્ટ્રપતિ તરીકે, હું વિદેશ નીતિને યોગ્ય બનાવવાની ખાતરી કરીશ, અમારા દુશ્મનોને પૈસા મોકલવાનું બંધ કરવાની અમારી યોજનાઓ પર વધુ ધ્યાન અપાશે…”
હેલીએ તાજેતરમાં કહ્યું હતું કે, જો તે સત્તામાં આવશે તો અમેરિકાને નફરત કરતા દેશોને આપવામાં આવતી વિદેશી સહાયમાં એક ટકાનો ઘટાડો કરશે. આમાં ચીન, પાકિસ્તાન અને અન્ય વિરોધીઓનો સમાવેશ થાય છે કારણ કે, ‘મજબૂત અમેરિકા ખરાબ લોકોને ચૂકવણી કરતું નથી’. ન્યૂયોર્ક પોસ્ટમાં એક ઓપ-એડમાં, દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસના ભૂતપૂર્વ રાજદૂતે જણાવ્યું હતું કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને રાષ્ટ્રપતિ વહીવટીતંત્રોએ ગયા વર્ષે વિદેશી સહાય પર $ 46 બિલિયનનો ખર્ચ કર્યો હતો, જે ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોમાં ગયો હતો.