અરવલ્લી જિલ્લાની નવ પ્રા. શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં, ભાજપની નીતિ સામે કોંગ્રેસનો વિરોધ
અમદાવાદઃ શિક્ષણને વ્યાપાર બનાવી સરકારી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતનાં અરવલ્લી જિલ્લાની 9 સરકારી પ્રા.શાળાઓને ભાજપ સરકારે ખંભાતી તાળાં મારી દીધા છે. સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અને ખાસ કરીને દીકરીઓનો શિક્ષણ અધિકાર છીનવાઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપાના શાસકોના લીધે શિક્ષણની વધુને વધુ અવદશા થઇ રહી છે, શું આ રીતે ભણશે ગુજરાત ? ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને સુનિયોજિત રીતે મર્જના નામે બંધ કરવાનું ભાજપ સરકાર ષડયંત્ર કરી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, મેઘરજ, બાયડ તાલુકાની નવ જેટલી શાળાઓને તાળા મારનું પાપ ભાજપ સરકારે કર્યું છે. જેના લીધે સૌથી વધુ પ્રભાવિત આદિવાસી સમાજના બાળકો થશે. સારું શિક્ષણ મેળવીને ઉમદા જીવન બનાવવાનું સ્વપ્ન ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંકો કરતા નથી અને બીજીબાજુ ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયકોની ભરતી કરીને ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરી રહી છે.
તેમણે કહ્યુ હતું કે, રાજ્યની ભાજપ સરકાર 38000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ગ્રાન્ટેડ પ્રાથમિક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે, જે ઘણી જ ગંભીર બાબત છે. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે. પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. જ્યારે ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. 14652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

