Site icon Revoi.in

નીતિન પટેલે કહ્યું, રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપના નેતાની ઓળખ આપી કામ કઢાવી લે છે

Social Share

અમદાવાદઃ. ભાજપની ઓળખ આપીને બની બેઠેલા સરકારી અધિકારીઓ સાથે સેટિંગ કરીને પોતાના અંગત કામો કઢાવી લેતા હોય છે. અને આવા રાજકીય દલાલોની સંખ્યા વધતી જાય છે.  તેના લીધે પક્ષની પ્રતિષ્ઠાનું ધોવાણ પણ થઈ રહ્યું છે. પણ શિસ્તબદ્ધ પક્ષને લીધે કોઈ જાહેરમાં બોલવાની હિંમત કરતું નથી. ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ ગણાતા નીતિનભાઈ પટેલે પક્ષને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. રાજકીય દલાલો ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહીને અધિકારીઓ સાથે સંબંધ અને ઓળખાણ બનાવે છે.

કડીના ડરણ ગામમાં ડરણ કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના સ્ટેજ ઉપરથી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. અને આવા દલાલો દલાલી કરતા કરતા કરોડપતિ બના ગયા ઘણા લોકો  ભાજપ નેતાની ઓળખ આપી પોતાના કામો કઢાવે છે.

તેમણે અનામત આંદોલન કેમ થયું? તે મુદ્દે જાહેર મંચ પર પહેલીવાર ખૂલીને બોલતાં જણાવ્યું કે, 90, 92, 95 ટકા લાવતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળતું એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં અસંતોષ થતો હતો, એના કારણે આંદોલન થયું હતું. નર્મદાના પાણી અને દરેક ગામોમાં પાકા રોડ રસ્તા બની ગયાં છે. જેના કારણે કડી તાલુકાની એક વીઘા જમીનના એક કરોડથી પાંચ કરોડ સુધીના ભાવ થઈ ગયાં. કડીમાં જમીનોની કિંમતો વધી એટલે કરોડપતિ બની ગયાં. અગાઉ જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરતાં હવે રાજકારણમાં દલાલો આવી ગયાં છે. દલાલી કરતાં કરતાં આજે કરોડપતિ બની ગયા. સમાજ, સંસ્થા, ગામ માટે દાન આપી તે હિતમાં કાર્યો કરવા જોઈએ. સમાજના પ્રેમથી નેતા બનાય છે. હોદ્દાને સફળ બનાવ્યો તે નેતા છે. હાલમાં ચારિત્રની ખૂબ તકલીફ છે. 90 ટકા લોકો લાલચુ હોય છે. ગામડામાં સ્કૂલો ચલાવવી અઘરી છે, પરંતુ શિક્ષણ વિના નહીં ચાલે, છોકરીઓ કેટલી જમીન છે એ નહીં પૂછે.

ડરણ જૂથ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા રૂ.1.60 કરોડના ખર્ચે નવનિર્મિત સ્કૂલ ભવનનું સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતાં વસંત પંચમીના દિવસે રવિવારે સાંજે યોજાયેલા અમૃત મહોત્સવ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાને વધુ રૂ.25 લાખનું દાન મળ્યું હતું. સંસ્થાના ચીફ એડવાઈઝર ઈશ્વરભાઈ દામોદારભાઈ પટેલે રૂ.21 લાખનું દાન સહિત અન્ય પરિચિતો પાસેથી મળી કુલ રૂ.40 લાખનું દાન સંસ્થાને અપાવ્યું હતું.