અમદાવાદ 28 ડિસેમ્બર 2025: No entry for vehicles on CG and Sindhubhavan Road till late night on 31st December શહેરમાં સીજી રોડ અને સિન્ધુભવન રોડ પર 31મી ડિસેમ્બરના રોજ સમીસાંજથી મોડી રાત સુધી વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ને વેલકમ કરવા માટે યુવક-યુવતીઓ સહિત જનમેદની ઉમટી પડતી હોય છે. બન્ને રોડને અવનવી રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે પણ બંદોબસ્તની આગોતરી તૈયારીઓ કરી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, એેમાં સી.જી. રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધી લગાવવામાં આવી છે. જ્યારે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રહેશે.
અમદાવાદ શહેરમાં 31મી ડિસેમ્બરની સાંજથી મોડી રાત સુધી સીજી રોડ અને સિન્ધુભવન રોડ પર નવા વર્ષને વેલકમ કરવા માટે જન મેદની ઉમટી પડતી હોય છે. આથી ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સમથેશ્વર મહાદેવથી બોડીલાઇન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડી લાઈનથી લઈને ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુનો રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકાશે, પરંતુ સીજી રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં. મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા થઈ સી.જી. રોડ જઈ શકાશે.
આ ઉપરાંત શહેરના સિન્ધુભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ પર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે. ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલી બારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ જઈ શકાશે. ઝાઝરમાન ચાર રસ્તાથી બાગમાં ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્ય ભાગ થઈ શીલજ સર્કલ તરફ જઈ શકાશે.
શહેરમાં 31મી ડિસેમ્બરે પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારનાં વાહનો એસ.જી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે મોડીરાતના 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશે નહીં. વાહનચાલકોને પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવો પડશે.

