Site icon Revoi.in

સુરતમાં હવે રાતના સમયે પણ હેલ્મેટ ન પહેરનારા દ્વિચક્રી વાહનચાલકો સામે ઝૂંબેશ

Social Share

સુરતઃ ગુજરાતમાં અન્ય શહેરો કરતા સુરત શહેરમાં હેલ્મેટના કાયદાનો કડકરીતે અમલ થઈ રહ્યો છે. શહેરમાં દિવસ દરમિયાન તો મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેરે છે. પણ રાતના સમયે દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી. આથી શહેર ટ્રાફિક પોલીસે રાતના સમયે હેલ્મેટ સામે ઝૂંબેશ શરૂ કરી છે. શહેર ટ્રાફિક શાખાએ તા. 20 માર્ચ 2025થી 20 એપ્રિલ, 2025 સુધી ખાસ રાત્રિ હેલ્મેટ ડ્રાઇવ હાથ ધરી હતી. જેમાં 1,14,096 વાહનચાલકો વિરૂદ્ધ હેલ્મેટ ન પહેરવાનો ગુનો દાખલ કર્યો હતો અને.રૂ. 5,70,49,500નો દંડ વસૂલ્યો છે.

સુરત શહેરમાં દ્વીચક્રી વાહનચાલકો દિવસના સમયે તો હેલ્મેટ પહેરતા હોય છે પણ રાતના સમયે હેલ્મેટ પહેરતા નહતા. શહેરમાં રાતના સમયે થતાં રોડ અકસ્માતોમાં દ્વીચક્રી વાહનચાલકોના મોત હેલ્મેટ ન પહેરવાથી થયા હોવાનું સામે આવ્યું હતું. ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્લે પોઇન્ટ બ્રિજ પર બે બાઈકચાલકો ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો તેમજ પાલ ભાઠા રોડ પર બે બાઈકચાલકો રાત્રે ઝાડ સાથે અથડાતા ફેટલ અકસ્માત નોંધાયો હતો. આ તમામ ઘટના હેલ્મેટ ન પહેરવાના કારણે ગંભીર બની હતી. આથી સુરત ટ્રાફિક શાખાએ શહેરના જહાંગીરપુરા, રાંદેર, અઠવા, ભેસ્તાન, ચોકબજાર, લાલગેટ, મહિધરપુરા, વરાછા, કતારગામ, કાપોદ્રા, અલથાણ અને હાઈવે વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ 40 જેટલી ટીમો બનાવીને ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી હતી.

શહેર ટ્રાફિક શાખાએ નાગરિકોને અપીલ કરી છે કે, “દ્વિ-ચક્રીય વાહન ચલાવતી વખતે દિવસે કે રાત્રે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ. આ ઝુંબેશના પગલે ભારે સંખ્યામાં લોકો સામે કાર્યવાહી થઈ હોવા છતાં હજુ પણ સંપૂર્ણ પાલન માટે જાગૃતિ જરૂરી છે અને આવનારા દિવસોમાં પણ હેલ્મેટ ડ્રાઇવ ચાલુ રહેશે.