પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને તમામ રાજકીય પક્ષો પોતાની આખી તાકાત ઝોકી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દરભંગામાં જનસભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે તાજેતરમાં પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી હતી. સેના દ્વારા “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનની ધરતી પર ઘૂસી આતંકવાદીઓને નાબૂદ કરવામાં આવ્યા હતા. “જો પાકિસ્તાન ફરી હિંમત કરશે તો ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે અને એ ગોળા પણ બિહારના ડિફેન્સ કોરિડોરમાં જ બનશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “માતા સીતાના જન્મસ્થળ અને અંતિમ નિવાસસ્થળ બંનેને જોડતી 850 કરોડ રૂપિયાની યોજના હેઠળ ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. 4500 કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યા થી સીતામઢી વચ્ચે નવી રેલ લાઈન બિછાવવાની કામગીરી પણ શરૂ થઈ છે.” ગૃહમંત્રીએ કટાક્ષ કરતાં કહ્યું કે, “રાહુલ બાબા બે-અઢી મહિના પહેલા અહીં આવ્યા હતા અને ‘ઘૂસપેઠિયા બચાવો યાત્રા’ કાઢી હતી. લાલૂ અને રાહુલ ઘૂસપેઠિયાઓને બચાવવા માંગે છે. પરંતુ અમે દેશમાંથી દરેક ઘૂસપેઠિયાને પસંદગીથી બહાર કાઢીશું.”
અમિત શાહે લાલૂ પ્રસાદ યાદવ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, “લાલૂએ ચારા કૌભાંડથી લઈને લૅન્ડ ફૉર જોબ, હોટલ વેચાણ, અલકતરા અને પૂર રાહત જેવા અનેક ઘોટાળા કર્યા છે. કોંગ્રેસે પણ 12 લાખ કરોડના ઘપલા કર્યા છે. આવી પાર્ટીઓ બિહારનું ભલું કરી શકે?” શાહે દાવો કર્યો કે, “મોદી 11 વર્ષથી અને નીતિશકુમાર 20 વર્ષથી શાસનમાં છે, પરંતુ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી.”
ગૃહમંત્રીએ કહ્યું કે, “લાલૂ-રાબડી અને યુપીએના 10 વર્ષના શાસનમાં દરભંગા માટે કંઈ કામ થયું નહીં. પરંતુ મોદી સરકાર આવ્યા પછી અહીં AIIMSની સ્થાપના થઈ છે. હવે મિથિલા, કોશી અને આસપાસના વિસ્તારોના લોકોને સારવાર માટે પટણા કે દિલ્હી જવાની જરૂર નથી, તમામ સારવારની સુવિધા દરભંગા AIIMSમાં ઉપલબ્ધ થશે.”

