- પાઇલોટ પ્રોજેકટનો પ્રારંભ અમદાવાદથી કરાશે
- સફળતા મળશે તો રાજ્યભરમાં યોજના લાગુ કરાશે
- પ્રવાસીઓ એડવાન્સમાં ફુડ બુકિંગ કરાવી શકશે
રાજકોટઃ ગુજરાત એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા વધારવામાં સતત તકેદારી રાખવામાં આવી રહી છે. મહાનગરો વચ્ચે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત એક્સપ્રેસ અને લોકલ બસોમાં આરામદાયક બેઠકો સહિત સ્થિતિ સુધારવામાં આવી છે. હવે રેલવેની જેમ એસ.ટી.ની બસોમાં પ્રવાસીઓની ડિમાન્ડ મુજબ પેકેજડ ફૂડ પીરસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેકટની શરૂઆત હાલ અમદાવાદથી થશે બાદમાં ક્રમશઃ રાજયભરમાં લાગુ થશે.
ગુજરાત એસ.ટી. નિગમનાં સૂત્રોના જણાવ્યા મુજબ એસટી બસના પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો થાય અને તે ઉચ્ચ ગુણવતાથી સારો નાસ્તો-આહાર મળે તેમજ આ સેવાનો પ્રવાસી જનતા વધુને વાધુ લાભ લે, સાથોસાથ નિગમના પ્રતિષ્ઠામાં વધારો થાય તે માટે નિગમ દ્વારા એસટી બસના પ્રવાસીઓ માટે જમવાનું અને નાસ્તો પ્રોવાઇડ કરવામાં આવશે. એકસપ્રેસ બસોમાં પ્રવાસીઓને ચાલુ બસે પેકડ ફૂડ મળી રહે સાથે સાથે નિગમની નોન ટ્રાફિક આવકમાં વધારો થાય તે હેતુથી નવીન પ્રોજેકટ ON DEMAND PACKED FOOD ON BUS ને પ્રાયોગિક ધોરણે ઇમ્પ્લીમેન્ટ કરી એજન્સી નિમણુંક કરવા એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટથી ટેન્ડર નિવિદા પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. આ નવીન પ્રોજેકટને હાલ પુરતા પ્રાયોગિક ધોરણે ફકત અમદાવાદ સીટી માટે જ એકસપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટથી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઇન ભાવો મંગાવવામાં આવ્યા છે. હાલ પુરતા પ્રાયોગિક ધોરણે અમદાવાદના પાલડી, સી.ટી.એમ. કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરૂનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઠવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર કંટ્રોલ પોઇન્ટ/પિકઅપ સ્ટેન્ડ ડીલીવરી આપવામાં આવશે. પ્રવાસીઓ ઓનલાઇન ફૂડ ઓર્ડર (ફૂડ ઓન બસ) મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System) સિસ્ટમ પર બસ ટીકીટની સાથે ફૂડ પણ અગાઉથી બુકીંગ કરી શકે છે. પ્રવાસ શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળ પહોંચવાના 3 કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે. પ્રવાસીઓ ઓનલાઇન એડવાન્સમાં ફૂડ બુકીંગ કરી શકશે.

