દંતેવાડા: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં, સુરક્ષા દળોએ શનિવારે સવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વધુ ત્રણ નક્સલવાદીઓના મૃતદેહોને કબજે કર્યા હતા, આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. શુક્રવારે જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ મોડી રાત સુધી 28 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે શુક્રવારે જ્યાં અથડામણ થઈ હતી તે સ્થળની આસપાસના વિસ્તારમાંથી આજે સવારે વધુ ત્રણ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધીને 31 થઈ ગઈ છે. “નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેઓ PLGA (પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી) કંપની નંબર છ, પ્લાટૂન 16 અને માઓવાદીઓના પૂર્વ બસ્તર વિભાગના હતા.”
માહિતીના પગલે, DRG અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના જવાનોની સંયુક્ત ટીમ ગુરુવારે બપોરે દંતેવાડા અને નારાયણપુર જિલ્લામાંથી રવાના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે શુક્રવારે જ્યારે સુરક્ષા દળો વિસ્તારમાં હતા ત્યારે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.
એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ 28 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. છત્તીસગઢની રચનાના 24 વર્ષ બાદ સુરક્ષા દળોનું અત્યાર સુધીનું આ સૌથી મોટું ઓપરેશન છે જ્યારે એક જ એન્કાઉન્ટરમાં 31 નક્સલવાદીઓ માર્યા ગયા છે. અગાઉ 16 એપ્રિલે કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.