
Lok Sabha Election 2024: નૂપુર શર્માની ભાજપમાં ફરીથી વાપસીની સંભાવના, રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે. આ ક્રમમાં પાર્ટીઓ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. અહેવાલ છે કે ભાજપ નૂપુર શર્માને રાયબરેલીથી લોકસભા ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. પયગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણીના કારણે તેઓ બે વર્ષથી ઘણાં વિવાદોમાં ઘેરાયેલા છે.
વિવાદો બાદ નૂપુર શર્માને ભારતીય જનતા પાર્ટીએ બરખાસ્ત કર્યા હતા. તેમની બરખાસ્તગીનો સમયગાળો હવે સમાપ્ત થવાનો છે. ત્યારે રાયબરેલી બેઠક પરથી તેમના ચૂંટણી લડવાની શક્યતા છે. રાયપબરેલી બેઠક પરંપરાગત રીતે ગાંધી પરિવારનો ગઢ છે.
આ વખતે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા નથી. તેમના સ્થાને ગાંધી પરિવારમાંથી પ્રિયંકા ગાંધી વાડ્રા અથવા અન્ય કોઈના ચૂંટણી લડવાની શક્યતાઓની ચર્ચા હતી.
નૂપુર શર્મા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચુક્યા છે. નૂપુર શર્મા દિલ્હી યુનિવર્સિટીમાં એબીવીપી તરફથી સ્ટૂડન્ટ યૂનિયનના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચુક્યા છે.