1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. OBC અનામતઃ હરખાવા જેવુ નથી, ચૂંટણી ટાણે જ રૂપાણી સરકાર પર અન્ય જ્ઞાતિઓનું દબાણ વધશે
OBC અનામતઃ હરખાવા જેવુ નથી, ચૂંટણી ટાણે જ રૂપાણી સરકાર પર અન્ય જ્ઞાતિઓનું દબાણ વધશે

OBC અનામતઃ હરખાવા જેવુ નથી, ચૂંટણી ટાણે જ રૂપાણી સરકાર પર અન્ય જ્ઞાતિઓનું દબાણ વધશે

0
Social Share

ગાંધીનગર:  રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપતું  બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. ભાજપનો મકસદ આગામી મહિનાઓમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેનો લાભ ઉટાવવાનું છે. પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર માટે સાપે છંછૂદર ગળ્યા જેવો ઘાટ થાય તો નવાઈ નહીં, કારણ કે, ઓબીસીમાં સમાવવા માટે પટેલ, બ્રાહ્મણ. રાજપૂત, સહિતના સમાજોની માગ બળવતર બનશે અને ચૂંટણી ટાણે એકેય સમાજને નારાજ કરવાનું પોસાશે નહી. ગુજરાત ભાજપની  સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થશે. ઉલ્લેખનીય છે કે, 2017માં થયેલી ચૂંટણી વખતે જ શરુ થયેલા પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને જોરદાર ફટકો પડ્યો હતો. પક્ષ તે વખતે માત્ર 99 બેઠકો જીતી શક્યો હતો, અને સામે પક્ષે કોંગ્રેસને જોરદાર ફાયદો થયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં માત્ર પાટીદારો જ નહીં, અન્ય જ્ઞાતિઓ પણ પોતાને ઓબીસીમાં સમાવવામાં આવે તેવી માગણી કરીને સરકાર પર પ્રેશર વધારી રહી છે. ભાજપને હાલ એ વાતની ચિંતા સતાવી રહી છે કે આ કારણે 2022માં થનારી ચૂંટણીમાં તેને અસર પડી શકે છે. ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકારે ખરડો પસાર કરતાં જ ગુજરાતમાં તમામ ઓબીસી જ્ઞાતિઓનો નવેસરથી સર્વે કરવાની સાથે જનરલ કેટેગરીમાં આવતી પછાત જ્ઞાતિઓને ઓબીસીનું સ્ટેટસ આપવાની માગ સરકાર સમક્ષ મૂકી દીધી છે. બીજી તરફ, પાટીદારો, બ્રાહ્મણો, રાજપૂતો અને વણિકો પણ 2015થી પોતાને ઓબીસીમાં સમાવવાની માગ કરી રહ્યા છે. હવે નવા ડેવલપમેન્ટ બાદ તેઓ પણ ફરી સક્રિય બને તેવા પૂરા અણસાર છે.

સૂત્રોએ ઉમેર્યુ હતે કે, ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી જ્ઞાતિ આંદોલનનોની અસર હેઠળ લડાઈ હતી, જેમાં ભાજપને 150ના ટાર્ગેટ સામે માત્ર 99 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 77 બેઠકો આવી હતી.  2017માં પાટીદાર અને અન્ય જ્ઞાતિઓના આંદોલનોને કારણે ભાજપને ઘણું નુક્સાન ભોગવવું પડ્યું હતું. હવે રાજ્ય સરકારને ઓબીસીની યાદી બનાવવાની સત્તા મળી જતાં સરકાર સામે 2017 જેવી જ સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. જો સરકાર નવી જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવશે તો હાલ જે જ્ઞાતિઓ અનામતનો લાભ મેળવી રહી છે તેની નારાજગી તેને વ્હોરવી પડશે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. હાર્દિકે પાટીદાર, બ્રાહ્મણ, વણિક સહિતની જનરલ જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવાય તેવી માગ સાથે સમગ્ર રાજ્યમાં સર્વે કરાવવા માટેની વાત કરી છે. જેમાં હાલ ઓબીસીમાં સામેલ 148 જ્ઞાતિઓનો ફેર સર્વે કરવાની માગ પણ સામેલ છે. હાર્દિકનું કહેવું છે કે, છેલ્લા 30 વર્ષમાં ઓબીસીમાં સામેલ અનેક જ્ઞાતિઓ આગળ આવી છે, જેમને હવે અનામતની જરુર નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code