નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઓડિશાના રાઉરકેલા જિલ્લામાં પથ્થરની એક ખાણમાંથી આશરે 4 હજાર કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીની લૂંટના કેસમાં 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ લૂંટની ઘટના સીપીઆઈ (માઓવાદી) આતંકવાદી સંગઠનના સશસ્ત્ર કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.
એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે, નક્સલવાદીઓએ ઓડિશાના ગીચ જંગલોમાં પોતાના નેટવર્ક દ્વારા વિસ્ફોટક સામગ્રીથી ભરેલો ટ્રક ક્યારે અને ક્યાંથી પસાર થશે તેની માહિતી મેળવી હતી. નક્કી કરેલા સમયે 10 થી 15 સશસ્ત્ર માઓવાદીઓએ ટ્રકને ઘેરી લીધો હતો અને વિસ્ફોટક સામગ્રીની લૂંટ ચલાવી હતી.
લૂંટાયેલી આ વિસ્ફોટક સામગ્રી 20-20 કિલોગ્રામના પેકેટમાં રાખવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, કુલ 200 વિસ્ફોટક પેકેટની લૂંટ થઈ હતી અને આ સામગ્રીનો ઉપયોગ પોલીસ અને સુરક્ષા દળો સહિત સરકારી તંત્ર વિરુદ્ધ આતંકવાદી કૃત્યો કરવા માટે થવાનો હતો. આ લૂંટ સીપીઆઈ (માઓવાદી)ના દેશની સુરક્ષા અને સ્થિરતાને તોડવાના ષડયંત્રનો એક ભાગ હતી. આ ઘટના 27 મે, 2025ના રોજ બની હતી, જ્યારે વિસ્ફોટક સામગ્રી ઇટમા વિસ્ફોટક સ્ટેશનથી બાંકો પથ્થરની ખાણ સુધી લઈ જવામાં આવી રહી હતી. લૂંટ બાદ આ વિસ્ફોટકોને નજીકના જંગલમાં સ્થિત આતંકવાદી સંગઠનના ગઢમાં લઈ જવામાં આવ્યા હતા.
જૂન મહિનામાં સ્થાનિક પોલીસ પાસેથી આ કેસનો કબજો સંભાળનાર એનઆઈએએ તપાસ દરમિયાન જાણ્યું કે, તમામ 11 આરોપીઓ આ લૂંટના ગુનાહિત ષડયંત્ર, આયોજન અને અમલીકરણમાં સક્રિયપણે સામેલ હતા. એનઆઈએ દ્વારા જારજા મુંડા ઉર્ફે કાલુ મુંડા, અનમોલ ઉર્ફે સુશાંત ઉર્ફે લાલચંદ હેમ્બ્રમ, રમેશ ઉર્ફે પ્રીતમ માંઝી ઉર્ફે અનલ દા, પિન્ટુ લોહરા ઉર્ફે ટાઈગર, લાલજીત ઉર્ફે લાલુ, શિવ બોદરા ઉર્ફે શિબુ, અમિત મુંડા ઉર્ફે સુખલાલ મુંડા, રવિ ઉર્ફે બીરેન સિંહ, રાજેશ ઉર્ફે માનસિદ, સોહન ઉર્ફે રંગા પુનેમ અને અપટન ઉર્ફે ચંદ્ર મોહન હંસદ સામે ચાર્જશીટ ફાઈલ કરી છે.


