
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમને શરૂ કરવાની મંજુરી આપતા શાળા-કોલેજોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે હવે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થાય એવી શક્યતા છે. આ મામલે મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી અને અધિકારીઓની બેઠક પણ મળી હતી. જેમાં સપ્ટેમ્બરથી ધો. 6થી8 ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની સૂત્રોમાંથી માહિતી મળી છે.
ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને શિક્ષણ પણ ધીરે ધીરે અનલોક થઈ રહ્યું છે. કોલેજો, યુનિવર્સિટી, ધોરણ 9થી 12ના ઓફલાઇન વર્ગો શરૂ કરી દીધા છે. પરિણામે, સરકાર હવે પ્રાથમિક વિભાગમાં ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ચાલુ અઠવાડિયામાં જ રાજ્ય સરકાર આ અંગે કોઈ નિર્ણય જાહેર કરે એવી શક્યતા છે, જેમાં જન્માષ્ટમીના તહેવારો બાદ સપ્ટેમ્બરના આરંભથી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ થવાના સંકેતો શિક્ષણ વિભાગનાં સૂત્રોએ આપ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં જ ધોરણ 6થી 8ના ઓફલાઇન સ્કૂલો શરૂ કરવાનું નક્કી થયું હતું, પણ આ મહિનામાં અનેક તહેવારો અને રજાઓ આવતી હોવાથી અંતે શિક્ષણ વિભાગ અને કોર કમિટીએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી જ શાળાઓ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને રોટેશન મુજબ બોલાવીને ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા સરકારને રજૂઆત કરી છે, જેમાં કોવિડ ગાઈડલાઈન્સ સાથે હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવી જોઈએ. માર્ચ 2020થી કોરોના ગુજરાતમાં આવ્યો ત્યારથી પ્રાથમિક શાળાઓ બંધ છે. વાલીઓ અને શાળા-સંચાલકો પણ એવું માની રહ્યા છે કે ઓનલાઈન શિક્ષણથી નાનાં બાળકો હવે કંટાળી ગયાં છે. કોરોના પ્રોટોકોલ સાથે શાળાઓ શરૂ કરવી જોઈએ. આ બેઠકમાં શિક્ષણ વિભાગના મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા થવાની છે. આ સિવાય રાજ્યમાં ધોરણ 6થી 8ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગેની ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી 5 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા થઈ શકે છે.
રાજ્યમાં 15 જુલાઈથી કોલેજો શરૂ કરવામાં આવી હતી, સ્કૂલો કરતાં કોલેજોમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. વિદ્યાર્થીઓને થર્મલગન દ્વારા ચેકિંગ અને સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો. વિદ્યાર્થીઓને કોલેજોમાં એક વર્ગખંડમાં 50 ટકા કેપેસિટી સાથે બેસાડવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં ખુશીની લાગણી છવાઈ હતી. ગુજરાતમાં કોરોના ઓસરતાં જ સ્કૂલોમાં ફરીવાર ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે, જેમાં 15 જુલાઈથી 50 ટકા વિદ્યાર્થીઓની કેપેસિટી સાથે ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. આ દિવસે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ યોજાઈ હતી. એ ઉપરાંત ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગો 26 જુલાઈથી શરૂ કરવામાં આવ્યા હતા. હવે કોરોના નિયંત્રિત થતાં સરકાર ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે.