Site icon Revoi.in

ખંભાળિયા- દ્વારકા હાઈવે પર પૂર ઝડપે કાર ઊંટ સાથે અથડાતા એકનું મોત, 6ને ઈજા

Social Share

જામ ખંભાળિયા, 30 જુન, 2026 : One killed as speeding car hits camel હાઈવે પર ખાસ કરીને રાતના સમયે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર ગઈકાલે રાત્રે એક વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર રાત્રે પૂર ઝડપે કાર જતી હતી ત્યારે અચાનક ઊંટ આવી જતા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ઊંટ સાથે અથડાતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે કારમાં સવાર અન્ય છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.. આ અકસ્માતમાં ઊંટનું પણ મૃત્યુ થયું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સોમવારે રાત્રિના સમયે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર એક કાર હાઇસ્પીડે જઈ રહી હતી. ત્યારે રસ્તાની વચ્ચે અચાનક ઊંટ આવી ગયો હતો. જેથી ડ્રાઇવરને સમયસર બ્રેક મારવાની તક ન મળતાં કાર ઊંટ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઊંટ પણ રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને તેનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં કારમાં સવાર અન્ય છ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકોની મદદથી કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  આ અકસ્માતને લીધે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિક જામના કારણે અનેક વાહનો અટવાઈ પડ્યા હતા. પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version