અમરેલી, 8 જાન્યુઆરી 2026: અમરેલીના લીલીયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે. તેના માટે ઊંડો ખાડો ખાદવામાં આવ્યો હતો. ખાડા ફરતે બેરીકેટ લગાવાયા નહોતા. તેમજ વાહનો માટે કોઈ ડાયવર્ઝન પણ અપાયુ નહતું. ત્યારે ગત મોડી રાત્રે બાઈકચાલક પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. સાથે બાઈક પર બેઠેલા મહિલા અને બાળકી પણ ખાડામાં પડ્યા હતા.જેમાં બાઈકચાલકનું મોત નિપજ્યુ હતું જ્યારે મહિલા અને બાળકીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, અમરેલીમાં લીલીયા રોડ પર અન્ડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. અને અન્ડરબ્રિજ માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. ખાડા ફરતે બેરીકેટ લગાવવામાં આવ્યા નથી કે વાહનો માટે ડાયવર્ઝન પણ અપાયુ નથી. દરમિયાન 40 વર્ષીય આશીફ સેલોત વહેલી સવારે બાઈક પર એક મહિલા અને બાળકીને બેસાડીને લીલીયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રોડ પર ચાલી રહેલા અંડરબ્રિજના કામ પાસે કોઈ પણ પ્રકારનું ડાયવર્જન બોર્ડ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું નહોતું. આ દરમિયાન અંધારામાં ખાડાનો અંદાજ ન આવતા આશીફનું બાઈક સીધું જ અંડરબ્રિજ માટે ખોદવામાં આવેલા અને પાણીથી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતું.
અકસ્માતના બનાવની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે પાણી ભરેલા ખાડામાં ઉતરીને ભારે જહેમત બાદ ત્રણેયને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશીફ સેલોતનું મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં ભોગ બનેલી મહિલા અને બાળકી હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.

