
- ડ્રેનેજના ગંદા પાણીની દુર્ગંધથી નાગરિકો પરેશાન
- રજુઆત છતાં ડ્રેનેજ લાઈનને મરામત કરાતી નથી
- મ્યુનિની અણઘડ કામગીરી સામે લોકોમાં રોષ
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં વંદે માતરમ્ ક્રોસ રોડ નજીક બની રહેલા રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ અને પાણીને લાઈન તૂટી જતા નદીની જેમ પાણી રોડ પર વહેવા લાગ્યા છે. ગટરના દૂર્ગંધ મારતા ગંદા પાણીને લીધે આ વિસ્તારના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. નાગરિકોએ ડ્રેનેજ લાઈનને ત્વરિત મરામત કરાવવા સ્થાનિક કોર્પોરેટરોને પણ રજુઆત કરવા છતાંયે ડ્રેનેજ લાઈન મરામત કરવામાં આવી નથી. ડ્રેનેજના ગંદા પાણીથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે, અનેક રજૂઆતો છતાં પણ કામગીરી સમયસર કરવામાં ન આવતા દરરોજ પાણી ભરાઈ જાય છે અને દુર્ગંધ મારે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી અને નબળી કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
શહેરના ગોતા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન 20 દિવસ પહેલા ડ્રેનેજની લાઈન તૂટી ગઈ હતી. છેલ્લા 20 દિવસથી ગટરના ગંદા પાણીની દુર્ગંધથી આ વિસ્તારના નાગરિકો પરેશાન થઈ ગયા છે. લોકો પાંચ મિનિટ પણ અહીંયા ઊભા ના રહી શકાય તેવી સ્થિતિ છે. નાના બાળકો પણ રમવા માટે બહાર આવી નથી શકતા અને રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે.
ગોતાના વંદે માતરમ રેલવે અન્ડર બ્રિજ નજીકના સ્થાનિક લોકોના કહેવા મુજબ અન્ડરબ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઈન તૂટ્યાના 20 દિવસ થતાં છતાંયે હજુ મરામત કરવામાં આવની નથી. ડ્રેનેજ સાથે પાણીની પાઈપ લાઈન તૂટી ગઈ છે. છેલ્લા 20 દિવસથી પાણી આવતું નથી. ભાજપના કોર્પોરેટરોને આ મામલે રજૂઆત કરી છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
શ્રીફળ એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન નર્મદાની પાઇપલાઇન પણ તૂટી ગઈ છે. જેના કારણે પાણી આવતુ નથી. આ મામલે અમે અરજી લખીને આપી છે. ફોટા-વીડિયો પણ મોકલી આપ્યા છે. કોઈપણ જવાબ આવ્યો નથી. 300 જેટલા મકાનો છે અને અમને નર્મદાનું પાણી મળતું નથી. ખાસ કરીને આ ડ્રેનેજના પાણીના દુર્ઘટના કારણે ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે. અમારા બાળકો બીમાર પડી શકે તેમ છે. આ સમસ્યાનો જલ્દીથી નિકાલ કરવામાં આવે તેવી માંગ છે.
ગોતા વિસ્તારમાં વંદે માતરમ ક્રોસ રોડ નજીક આવેલા રેલવે ગરનાળા પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે અંડરબ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા પાણી અને ડ્રેનેજની યુટિલિટી લાઈન અંગે કોઈ ધ્યાન આપ્યું નહીં અને જેસીબી મશીનથી કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તેમજ ડ્રેનેજ લાઈન તૂટી જવાના કારણે બધું પાણી રેલવે અંડરબ્રિજની કામગીરીના ખાડામાં ભરાઈ ગયું છે. પાણી ભરાઈ જવાના કારણે સખત દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.