
- ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી
- રિનોવેશન દરમિયાન બે માળનું મકાન તૂટી પડ્યું
- પતિ અને તેના માતાને હોસ્પિટલ ખસેડાયા
રાજકોટઃ જિલ્લાના ગાંડલ શહેરમાં સહજાનંદનગર ગરબી ચોકમાં આજે સવારે બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થતાં પતિ-પત્ની અને તેમના માતા કાટમાળમાં દટાતા આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના લાશ્કરો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, જેસીબી અને ક્રેઈન દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે પતિ અને તેમના માતાને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગતો એવી છે કે, ગોંડલ શહેરના સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે 7 વાગ્યે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં પતિ-પત્ની અને વૃદ્ઘ માતા દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવમાં એક મહિલાનું મોત થયું છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ આ બનાવમાં સુનિલભાઈ વરધાણી, તેમનાં પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા મિતાબેન વરધાણી કાટમાળમાં દબાયાં હતાં. મકાન ધડાકાભેર તૂટી પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સાથે એક JCB, ક્રેઇન, એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યૂ ઓપરેશન કરીને કાટમાળમાંથી ઉષાબેન વરધાણીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં છે. તેમના સાસુ મિતાબેન વરધાણીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે કાટમાળમાં દબાયેલા સુનિલભાઈ વરધાણીને પણ મકાનના બીમ નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ગોંડલના ધારાસભ્યના ગીતાબાના પુત્ર જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.