Site icon Revoi.in

સુરતના ઉમરા-વેલજા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

Social Share

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઉમરા-વેલજા રોડ પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ધોરણ-7ની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બેને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. ઘટનાની જાણ થતા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરતના ઉમરા-વેલંજા રોડ પર બપોરના ટાણે પૂરફાટ ઝડપે દોડી રહેલા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં ધો-7ની વિદ્યાર્થિની ટ્રકના પાછળના ટાયરમાં આવીને કચડાઈ જતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધોરણ 7ની વિદ્યાર્થિનીનું મોત થતાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને ચક્કાજામ કર્યો હતો અને બેફામ દાડતા વાહનો સામે પગલા ન લેવાતા વિરોધ કરાયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રોડ પર પ્રતિદિન એકથી બે અકસ્માતો થાય છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ અકસ્માતના બનાવની  જાણ થતાં જ ઉત્રાણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.