વડોદરા,22 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.શહેરના કોઠી ચાર રસ્તા પોલીસ હેડ ક્વાર્ટર પાસે પૂરફાટ ઝડપે આવેલા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય એક કાર અને 2 ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાર ચાલક હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર ઉંમર વર્ષ 62નું સારવાર પહેલા જ મોત નિપજ્યુ હતું. જ્યારે એક કાર અને બે બાઇકને ટક્કર મારતા ઈજાગ્રસ્ત કરશનભાઈ ચંદુભાઈ રાઠવા અને પ્રતીક રાઠવાને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કારચાલક હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર (ઉંમર 62, રહેવાસી: મકરપુરા, જાનકીપાર્ક સોસાયટી) કોઠી ચાર રસ્તા પાસે આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ રોડ પરથી કારમાં પસાર થઈ રહ્યાં હતા. ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારે સામે રહેલી એક અન્ય કાર તેમજ બે ટુ-વ્હીલર વાહનોને અડફેટે લીધા હતા.. અકસ્માત બાદ હિતેશભાઈ ઠક્કરે સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત બે વ્યક્તિઓ કરશણભાઈ ચંદુભાઈ રાઠવા અને પ્રતીક રાઠવાને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારચાલકનું મોત થતા હોસ્પિટલમાં પરિવાર આક્રંદ કરતો નજરે પડ્યો હતો. કારચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

