- રાજકોટથી મુંબઈ જવાં મુસાફરોને સવારે બે ફ્લાઇટ મળી રહેશે,
- દિવાળી વેકેશનમાં ફરવા માટે જતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે,
- રાજકોટ એરપોર્ટ પરથી 9 સીટર પ્લેન સહિત દૈનિક 8 ફ્લાઈટની જ ઉડાન
રાજકોટઃ શહેરના સીમાડે હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાયુ છે. એરપોર્ટ કાર્યરત થયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટની સેવા હજુ મળી નથી. પણ ડોમેસ્ટીક સેવામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે કાલથી એર ઇન્ડિયાની સવારની ફ્લાઈટ ઉડાન ભરશે. જે ફ્લાઈટ મુંબઈથી રાજકોટ એરપોર્ટ પર સવારે 7: 55 વાગે પહોંચશે અને 8.40 વાગ્યે રાજકોટથી મુંબઈ જવા માટે ઉડાન ભરશે. જેનાથી વહેલી સવારે મુંબઈ જવા માંગતા અને સાંજે પરત આવવા માંગતા બિઝનેસ ક્લાસ તેમજ દિવાળી વેકેશનમાં ફરવા માટે જતા પ્રવાસીઓને ખૂબ જ મોટો ફાયદો થશે કારણકે હાલ રાજકોટથી મુંબઈ માટેની ફ્લાઈટ 9 વાગ્યે ઉડાન ભરે છે. જોકે હવે સવારની બે ફ્લાઇટ મુંબઈ માટે ઉડાન ભરતા હવાઈ મુસાફરોને લાભ થશે.
એર ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ એરપોર્ટ પરથી અગાઉ સવારની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ફ્લાઈટ બંધ હતી. જેને કારણે સવારે આ ફ્લાઈટમાં જતા હવાઈ મુસાફરોને તકલીફ પડતી હતી. સવારની એક માત્ર ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરે છે. જોકે હવે એર ઇન્ડિયા દ્વારા પણ મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવતા બિઝનેસ ક્લાસ હવાઈ મુસાફરોને લાભ મળશે. હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરતનું 9 સીટર પ્લેન સહિત દૈનિક 8 ફ્લાઈટની જ ઉડાન ભરે છે. અન્ય 1 ફ્લાઈટ અઠવાડિયામાં એક દિવસ તો 3 ફ્લાઈટની અઠવાડિયામાં ચાર દિવસની ઉડાન છે. જેમાં રાજકોટથી મુંબઈ માટે ઈન્ડિગોની 3 તો એર ઇન્ડિયાની સાંજની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે જોકે હવે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટ આવતીકાલ તા.1 સપ્ટેમ્બરથી શરૂ થતા હવાઈ મુસાફરોને ફાયદો થશે અને આ ફ્લાઈટ દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. હાલ સુરતનું 9 સીટર પ્લેન સહિત દૈનિક 8 ફ્લાઈટની સેવા મળી રહી છે.