Site icon Revoi.in

કલોલના દંતાલી ટીંબા ગામ પાસે નર્મદા કેનાલમાં સ્કોર્પિયો પડતા એકનું મોત

Social Share

ગાંધીનગરઃ  કલોલના દંતાલી ટીંબા ગામ પાસે ગઈકાલે સ્કોર્પિયો કાર નર્મદા કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત થયું છે. આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને કેનાલમાંથી કાર તેમજ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથધરી છે. મૃતક અમદાવાદના લપકામણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદના લપકામણ ગામના રહેવાસી 53 વર્ષીય રણજીતજી ઠાકોર સાંતેજથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજે 5:30 વાગ્યે દંતાલી ટીંબા પાસેથી પસાર થતી વખતે તેમણે સ્કોર્પિયો કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી નર્મદા કેનાલમાં ખાબકી હતી અને પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તરવૈયાઓની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ સાંતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી ગયો હતો. તરવૈયાઓએ કેનાલમાંથી કાર શોધી કાઢી હતી. ક્રેઇનની મદદથી કાર બહાર કાઢમાં તેમાંથી રણજીતજી ઠાકોરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જેનો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સ્કોર્પિયો કાર નર્મદા કેનાલમાં કેવી રીતે ખાબકી તેમજ આ અકસ્માત જ છે કે કોઇ કાવતરું છે તે દિશામાં પણ પોલીસે હાલ તપાસ શરુ કરી છે. ઘટનાને પગલે નર્મદા કેનાલ તેમજ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેમના સંબંધીઓ દોડી આવ્યા હતા.

Exit mobile version