ભાવનગર, 12 જાન્યુઆરી 2026: શહેરના મોટા શીતળા માતા મંદિર પાછળ આવેલા શિવનગર હનુમાનવાડી વિસ્તારમાં સમી સાંજે એક બે માળના મકાનની અગાશી પર પરિવારના ત્રણ બાળકો પતંગ ચગાવી રહ્યા હતા. પતંગ ચગાવતી વખતે અગાશી પાસેથી પસાર થતી 11 કેવીની હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી. આ ફસાયેલી પતંગ કાઢવા જતાં ત્રણેય બાળકો વીજ લાઈનના સંપર્કમાં આવી ગયા હતા અને તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેમાં પરિવારના એકના એક પુત્ર નિકુંજ ગોપાલભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેની સાથે રહેલી બે સગી બહેનો પણ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાં મનસ્વી મકવાણાની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય બહેન દ્રષ્ટિ મકવાણાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, નિકુંજ ગોપાલભાઈ મકવાણા શહેરના ઘોઘારોડ 14 નાળા ઉદયવીર હનુમાનજી મંદિરની બાજુમાં રહે છે. નિકૂંજ તેના દાદા વિજયભાઈ મકવાણાના ઘરે પતંગ ચગાવવા ગયો હતો ને તેની બહેનો સાથે પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે 11 કેવીની વીજલાઈનના વાયરમાં પતંગ ફસાતા તેના કાઢવા જતા વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યુ હતું. જ્યારે તેની સાથે રહેલી બે સગી બહેનો પણ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાં મનસ્વી મકવાણાની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
નિકૂંજ મકવાણા પરિવારનો કમાત્ર દીકરો હતો તે એકના એક દીકરાનું શોક લાગતા મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. ઉત્તરાયણ પૂર્વે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શિવનગર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોપાલભાઈએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે.

