Site icon Revoi.in

સુરતમાં BLOની કામગીરી કરતા શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા કરાયો આદેશ

Social Share

સુરતઃ ગુજરાતભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બી.એલ.ઓ તરીકે શિક્ષકોને જોતરવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરમાં બી.એલ.ઓ કામગીરીમાં સંકળાયેલ શિક્ષકો-પાલિકા કર્મચારીઓને મતદાર સુધારણા કામગીરી સાથે શાળા ઓફિસની કામગીરીમાં રજા ન મળતી હોવાની ફરિયાદ ઉઠતા ચૂંટણી પંચ દ્વારા આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પરિપત્ર જાહેર કરાયો છે. જ્યારે બીજી તરફ બીએલઓ કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને ઘરે સામાજિક પ્રસંગ હોય કે મેડિકલ ઈસ્યુ હોય તેવા સંજોગોમાં પણ પુરતી રજા અપાતી નથી અને કામગીરી માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પણ ઊઠી છે.

સુરત સહિત ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં શિક્ષકો-પાલિકા કર્મચારી અને સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ હોવા છતાંયે એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવી છે તો કેટલાક આચાર્ય દ્વારા શિક્ષકોને શૈક્ષણિક કાર્ય બાદ મતદારયાદી સુધારણા માટે કામગીરી કરવા ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદ છે. આવી જ રીતે પાલિકાના કર્મચારીઓને તેમની મૂળ કામગીરી સાથે મતદાર યાદી સુધારણા કામગીરી કરવી પડી રહી છે.  આવી સંખ્યાબંધ ફરિયાદ અને બે કામ કરતા હોવાથી મતદાર યાદી સુધારણા માટે બી.એલ.ઓ તથા બી.એલ.ઓ. સુપરવાઇઝરને મતદારયાદી ખાસ સઘન સુધારણાની કામગીરી માટે અન્ય કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પરિપત્ર જાહેર કરાયો છે. જેના કારણે હવે શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની ઘટ પડશે અને એક શિક્ષકોએ એક કરતા વધુ વર્ગ સંભાળવા પડી શકે તેવી શક્યતા છે.

બી.એલ.ઓના કહેવા મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સાથે જોડાયેલા કર્મચારીઓના ઘરે સામાજિક પ્રસંગ કે મેડિકલ ઈસ્યુ હોવાથી રજાની માંગણી કરવામા આવે છે તો રિઝર્વ કર્મચારી નથી તેવું કહીને રજા આપવામા આવતી નથી અથવા ઘણી જ ઓછી રજા આપવામા આવે છે. જેથી મતદાર યાદી સુધારણા સાથે જોડાયેલા કર્મચારીઓને સામાજિક પ્રસંગ કે મેડિકલ ઈશ્યુ હોય અને તેના પુરવા રજુ કરવામા આવે તો પુરી રજા આપવા માટેની માંગણી થઈ રહી છે. કેટલાક કિસ્સામાં તો આવા કર્મચારીઓને ઘણી જ ઓછી રજા મંજુર કરવામા આવે છે તેના કારણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સાથે જોડાયેલા કર્મચારીઓની હાલત કફોડી થઈ રહી છે તેથી સાચા કારણ હોય અને પુરાવા રજુ કરે તેવા કર્મચારીઓને કામગીરીમાંથી મુક્તિ આપે કે રજા મંજુર કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.

Exit mobile version