1. Home
  2. ગુજરાતી
  3. આપણા રાષ્ટ્રરત્નો: “ક્વોન્ટમ થિયરી” ના પ્રણેતા, રાષ્ટ્રગૌરવ સત્યેન્દ્રનાથ બોઝ
આપણા રાષ્ટ્રરત્નો: “ક્વોન્ટમ થિયરી” ના પ્રણેતા, રાષ્ટ્રગૌરવ સત્યેન્દ્રનાથ બોઝ

આપણા રાષ્ટ્રરત્નો: “ક્વોન્ટમ થિયરી” ના પ્રણેતા, રાષ્ટ્રગૌરવ સત્યેન્દ્રનાથ બોઝ

0
Social Share

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

આપણાં દેશમાં ૧૮૫૭ની સાલથી દેશની આઝાદીનો શંખનાદ વાગી ચૂક્યો હતો આ શંખનાદ ૧૮૯૦ ૧૯૦૦ ની સાલની આસપાસ વધુ બુલંદ થતો જતો હતો દેશમાં આઝાદી માટે દેશપ્રેમ માટે લોકજાગૃતિ વધારે ને વધારે પરિપક્વતા તરફ આગળ વધી રહી હતી એ સમયે સ્વદેશી ચળવળ અને અંગ્રેજોના કાયદાનો વિરોધ કરવા માટેની રાજકિય પ્રવૃતિઓનું કેન્દ્વ બંગાળ હતું. અનેક યુવાનો પોતાની કારર્કિદી અને અભ્યાસ છોડીને ચળવળમાં કૂદી પડયા હતા આઝાદીની ચળવળના જમાનામાં બરોબર એ જ સમયે એવા પણ વ્યક્તિ વિશેષો હતા જેઓ પોતાનો દેશપ્રેમ એ અનેક વિધ ક્ષેત્રોમાં જાતમહેનતે પોતાના કૌશલ્યો દ્વારા રજૂ કરતા અને આપણાં દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે ને વધારે દૈદિપ્યમાન કરતા આવા વિરલ વ્યક્તિત્વો માનું એક નામ એટલે આપણાં દેશના પ્રખર ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝ .

એમનો જન્મ  ૧લી જાન્યુઆરી ૧૮૯૪ માં કોલકત્તામાં માં થયો . તેમની ગણનાં  “ક્વોન્ટમ થિયરી” ના પ્રણેતા તરીકે આજે પણ થાય છે.તેમના પિતા સુરેન્દ્રનાથ બોઝ પૂર્વ ભારત રેલવેના એન્જીનિયરિંગ વિભાગ માં નોકરી કરતા .સત્યેન્દ્રનાથ બોઝ તેમના સાત બાળકોમાં સૌથી મોટા અને અભ્યાસમાં તેઓ બાળપણથી જ ખૂબ તેજસ્વી. રેલવેખાતામાં નોકરી કરતા પિતા સુરેન્દ્નાથની નોકરીનું જયારે જયારે સ્થળ બદલાતું ત્યારે ત્યારે સત્યેન્દ્રનાથની શાળા પણ બદલાતી. તેમ છતાં તેમના અભ્યાસ પર કોઇ જ વિપરિત અસર થઇ નહીં. એમના બાળપણનો એક સુંદર પ્રસંગ યાદ કરીએ  તો કલક્તાની હિંદુ સ્કૂલમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ગણિતનો દાખલો પાઠ્યપુસ્તક પ્રમાણે આપેલ રીતે માર્કસ મળે તે રીતથી ગણ્યો આ ઉપરાંત પોતાની આગવી મૌલિક રીતથી ગણતરી કરીને પણ દાખલો ગણ્યો. એમના ગણિત ના શિક્ષક ઉપેન્દ્ર બક્ષીએ પેપર તપાસ્યું અને પ્રભાવિત થઇને ૧૦૦ માર્કસમાંથી ૧૧૦ માર્કસ આપ્યા. આમ ગણિત અને વિજ્ઞાાન વિષયમાં નાનપણથી જ ખૂબ તેજસ્વી હતા.સત્યેન્દ્રનાથ બોઝ હિન્દૂ હાઇસ્કુલ, કલકત્તામાં માધ્યમિક શિક્ષણ લીધું.ત્યારબાદ તેઓ  ઉચ્ચ અભ્યાસ માટે ૧૯૧૧ માં કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. ગણિત અને ભૌતિક્શાસ્ત્ર તેમના ખૂબ પ્રિય વિષયો હતા ગણિત અને ભૌતિકશાસ્ત્રનો તેઓ ઝીણવટ પૂર્વક સતત અભ્યાસ કરતા એનું પરિણામ એ આવ્યું કે  ૧૯૧૩માં તેઓ  કલકત્તા યુનિવર્સિટીની પરીક્ષામાં  પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા.

ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં તેમને વધુ ઊંડાણમાં જાણવાની ખેવના જાગી વધારે લગનથી કાર્ય કર્યું અને  ૧૯૧૫ માં મિશ્ર ગણિત સાથે અનુસ્નાતક કક્ષામાં પણ પ્રથમ ક્રમે  આવ્યા. એમના ગમતા વિષયોનો વૈશ્વિક અભ્યાસ કરવાની આત્મપ્રેરણા થઇ અને જર્મન ભાષાનો અભ્યાસ કરી જર્મન વિજ્ઞાની બૂલ સાથે જર્મન પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો. એમની તેજસ્વીતાથી પ્રભાવિત થઇને ૧૯૧૬ માં, કલકત્તા યુનિવર્સિટી ના ઉપકુલપતિ આશુતોષ મુખરજીએ એમને અનુસ્નાતક કક્ષાએ આધુનિક ગણિત અને ફિઝિક્સ વર્ગો માટે કલકત્તા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે જવાબદારી સોંપી. તેમણે ૧૯૧૬ થી ૧૯૨૧ દરમિયાન અહીં અનેક વિદ્યાર્થીઓ ને ગણિત અને ભૌતિક વિજ્ઞાન માં રસ લેતા કર્યા .ત્યારબાદ તેઓ ૧૯૨૧માં ફિઝિક્સ વિભાગ માં રીડર તરીકે નવી સ્થપાયેલ  ઢાકા યુનિવર્સિટીમાં જોડાયા. એમની ઢાકામાં કરેલી સંશોધનની કમગીરીને વિજ્ઞાન જગતે ‘બોઝ સ્ટેટિસ્ટિક્સ’ તરીકે માન્યતા આપી. જેનો આજે પણ  ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને લાભ લે  છે.

એમની ભૌતિક વિજ્ઞાન અને ગણિત ની અભ્યાસ શોધો ને વૈશ્વિક ક્ષેત્રે વિસ્તારવા માટે તેઓ ઇ.સ. ૧૯૨૪ માં પૅરિસ ગયા અને ત્યાં મેડમ ક્યૂરીની પ્રયોગશાળામાં દિવસ રાત સંશોધન કાર્યમાં લાગ્યા રહ્યા . આ સંશોધન કાર્યનું પરિણામ એ આવ્યું કે ૧૯૨૪ માં, સત્યેન્દ્ર નાથ બોઝે ‘મેક્સ પ્લેન્ક નિયમ અને ‘લાઇટ ક્વોન્ટમ પૂર્વધારણા’ શીર્ષક પર અભ્યાસ  લેખ પ્રકાશિત કર્યો. આ લેખ વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને  મોકલવામાં આવ્યો. આમ આ લેખે  એક મહાન વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું  અને આ અભ્યાસ લેખને  બધા જ  વૈજ્ઞાનિકોની  પ્રશંસા પ્રાપ્ત થઇ. જે આજે  ‘ બોઝ -આઈન્સ્ટાઈન સિદ્ધાંત’ તરીકે ઓળખાય છે.આમ ખાસ કરીને એ સમયમાં અને આધુનિક વિજ્ઞાનના શરૂઆતના સમયમાં આપણાં દેશનું નામ વૈશ્વિક ક્ષેત્રે ઉજ્જવળ કરનાર ભૌતિક શાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝ બન્યા. ત્યારબાદ ૧૯૨૬ માં, સત્યેન્દ્રનાથ બોઝ ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનમાં  પ્રોફેસર તરીકે નિયુક્ત થયા .તેમના ભૌતિક શાસ્ત્ર અને ગણિત વિષયના જ્ઞાનનો લાભ વધુ ને વધુ વિદ્યાર્થીઓ ને મળ્યો અને તેઓ ૧૯૨૯ માં  ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ઓફ ફિઝીક્સ ચેરમેન તરીકે ચૂંટાયા અને ત્યારબાદ ૧૯૪૪ માં વિજ્ઞાન કોંગ્રેસ ના સંપૂર્ણ ચેરમેન તરીકે ચૂંટાયા.1945માં, તેઓની  ખૈરા  કલકત્તા યુનિવર્સિટી ઓફ ફિઝીક્સ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી. તેમણે ૧૯૫૬માં કલકત્તા યુનિવર્સિટીમાંથી  નિવૃત્તિ લીધી. આ યુનિવર્સિટીએ તેમને ભાષાવિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે સન્માનિત કર્યા. ત્યારબાદ  તેઓ  વિશ્વભારતી યુનિવર્સિટીના  વાઇસ ચાન્સેલર બન્યા અને તેમની ભૌતિક વિજ્ઞાન અને ગણિતની ઉજ્જવળ કારકિર્દીના કારણે તેમને  ૧૯૫૮ માં,  રોયલ સોસાયટી, લંડનમાં ફેલો તરીકે નિમણૂક કરવામાં આવી તેમના ભૌતિક વિજ્ઞાન અને ગણિત માં સાતત્ય સભર સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદાન માટે ૧૯૫૪ માં સત્યેન્દ્રનાથ બોઝને ભારત સરકાર દ્વારા ‘ પદ્મવિભૂષણ  ‘ થી સન્માનિત કરવામાં આવ્યા. તેમના સંશોધન ‘ક્વોન્ટમ ફિઝિક્સ’ માટે વિશ્વ તેમને આજે પણ યાદ કરે છે બોઝે તેમની વિજ્ઞાન કારર્કિદીમાં ૨૫ થી વધુ સંશોધન પેપરો લખ્યા. તેમના માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. એ વખતના પ્રધાન મંત્રી જવાહરલાલ નેહરુને પણ તેમના માટે ખૂબજ  આદર હતો.

૨૦૧૨માં સ્વિત્ઝર્લેન્ડ અને ફ્રાંસની બોર્ડર પર લાર્જ હાઇડ્રોન કોલોરાઇડર નામનું ખૂબ મોટું મશીન ચાલું કરીને બ્રહ્માંડની ઉત્પતિ કેવી રીતે થઇ તે જાણવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો. ૨ હજારથી પણ વધુ વૈજ્ઞાનિકોએ આ પ્રયોગમાં સક્રિયપણે ભાગ લીધો. વૈજ્ઞાનિકો પદાર્થના બંધારણનો અભ્યાસ કરતા મૂળભૂત કણને પાંમવા માટે સતત પ્રયત્નશીલ રહયા .તેના અનુસંધાને જે મૂળભૂત કણ ઓળખાયો તે ગોડ પાર્ટિકલને બે મહાન વૈજ્ઞાનિકોની સંયુકત સ્મૃતિમાં હિંગ્સ બોઝોન કણ એવું નામ આપવામાં આવ્યું. જેમાં હિગ્સ નામ ૪૦ વર્ષથી આ ક્ષેત્રમાં સંશોધન કરનારા બ્રિટીશ ફિઝિસિસ્ટ પીટર હિગ્સ અને બોઝોન નામ ભારતના ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ પરથી હતું. આઇન્સ્ટાઇનને વર્ષો પહેલા બોઝે મોકલેલું શોધપત્ર ગોડ પાર્ટિકલ શોધવાના પાયામાં હતું. આથી જ ગોડ પાર્ટિકલમાં હિંગ્સ સાથે બોઝોનનું નામ પણ જોડાયેલું છે. આપણાં રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રરત્ન સત્યેન્દ્ર નાથ બોઝ ગોડ પાર્ટિકલમાં બોઝોન બનીને અમર થઇ ગયા ભૌતિકવિજ્ઞાનના આ મહાન વૈજ્ઞાનિકને આજે એમના જન્મપર્વ પર યાદ કરી આપણે આપણાં ક્ષેત્રથી દેશસેવાનો સંકલ્પ સુદ્ઢ કરીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code