સાગબારા, 18 જુન, 2026 : Milk and Sanjeevani packets found wandering on the road રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં કૂપોષિત બાળકોની સંખ્યા વધુ છે. બાળકોને પુરતુ પોષણ અને પોષ્ટિક ખોરાક મળી રહે તે માટે આંગણવાડીઓને સંજીવની દૂધના પેકેટો સહિત પોષ્ટિક વસ્તુઓ આપવામાં આવે છે. પણ કર્મચારીઓની લાપરવાહીને કારણે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાંયે યોજના સફળ થતી નથી. આદિવાસી વસતી ધરાવતા નર્મદાના સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકો માટેના ‘દૂધ સંજીવની’ના ઘણા પેકેટ્સ રસ્તા પર રઝળતા મળી આવતા ચકચાર મચી છે. આદિજાતિ બાળકોને પોષણ પૂરું પાડવા માટેની આ સરકારી યોજનાના પેકેટો આ રીતે રસ્તા પર કઈ રીતે પહોંચ્યા, તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોના આરોગ્ય અને પોષણ માટે આ દૂધની વ્યવસ્થા કરવામાં આવે છે. મહત્વનું છે કે અગાઉ પણ ડેડિયાપાડાના ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી હતી. આવી ઘટનાઓ વારંવાર બનવી તે યોજનાના વિતરણ અને દેખરેખ વ્યવસ્થામાં રહેલી ખામીઓ તરફ આંગળી ચીંધે છે. બાળકોના હક્કના આ પોષણયુક્ત આહારનો આ પ્રકારે બગાડ થતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સરકારી સંપત્તિનો આ બગાડ કોની બેદરકારીનું પરિણામ છે – સપ્લાય ચેઈન, પરિવહન કે પછી અન્ય કોઈ વહીવટી ક્ષતિ? તે અંગે સઘન તપાસ જરૂરી છે. હાલ તો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી, જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
સંજીવની દૂધના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવવા તે માત્ર એક વહીવટી ક્ષતિ નથી, પરંતુ કુપોષણ સામે લડી રહેલા આદિવાસી બાળકોના હક્ક સાથે ખિલવાડ છે. અગાઉ પણ ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના બની ચૂકી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.


