વેરાવળ, 18 જુન, 2026 : 7 people caught while going for lion viewing late at night જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે મોડી રાત્રે ગેરકાયદે સિંહ દર્શન કરવા નીકળેલા સાત આરોપીઓને ઝડપી લીધા હતા. વન વિભાગની ટીમ પહોંચતા આરોપીઓ એક બાઈક અને નંબર પ્લેટ વગરની કાર સ્થળ પર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, વન વિભાગે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી તમામ 7 આરોપીઓને ઝડપી પાડીને કુલ રૂ. 4 લાખનો દંડ ફટકાર્યો છે.
વેરાવળ તાલુકાના મંડોગ ગામની સીમમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવતું હોવાની બાતમી વન વિભાગને મળી હતી. તેના આધારે વન વિભાગની સ્પેશિયલ ટીમે દરોડો પાડતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દરોડા દરમિયાન કબજે કરાયેલી કાર પર નિયમિત નંબર પ્લેટ નહોતી, પરંતુ આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલું બોર્ડ લગાવેલું હતું. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સિંહ દર્શન માટે આવેલા શખસો પહેલા ઉમરેઠી વિસ્તાર પહોંચ્યા હતા, ત્યારબાદ કુકરાસ થઈ પાંડવા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગેરકાયદે રીતે સિંહ દર્શન કરવા માટે જંગલ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર મામલે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ “મંડોર ગામનો અલ્ફાઝ અનવરભાઈ મલેક સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ અલ્ફાઝ ગેરકાયદે સિંહ દર્શન કરાવતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અલ્ફાઝ અનવર મલેકે આરોપીઓને જન્મદિવસની પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. આરોપીઓએ અલ્ફાઝની વાડીમાં દારૂ અને ચિકનની પાર્ટી કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તમામ લોકો ગેરકાયદે સિંહ દર્શનના ઇરાદે નીકળ્યા હતા.”
વધુ વાંચો: આંગણવાડીના બાળકો માટેના દૂધ સંજીવનીના પેકેટો રસ્તા પર રઝળતા મળી આવ્યા

