Homeગુજરાતીગુજરાતવાવ-થરાદ જિલ્લામાં નર્મદાની પેટા કેનાલો તૂટેલી હાલતમાં, ખેડૂતો ચિંતિત

વાવ-થરાદ જિલ્લામાં નર્મદાની પેટા કેનાલો તૂટેલી હાલતમાં, ખેડૂતો ચિંતિત

થરાદ, 9 ઓક્ટોબર, 2026 : Narmada sub-canals in Vav-Tharad district are in a broken condition  ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લામાં નર્મદાની પેટા અને સબપેટા કેનાલો જર્જરિત હાલતમાં છે. ઘણી પેટા કેનાલોમાં ઝાડી-ઝાંખરા, માટી તેમજ ગાબડાં જોવા મળી રહ્યાં છે, જ્યારે કેટલીક જગ્યાએ કેનાલો તૂટેલી હાલતમાં છે.  ખાસ કરીને કુંડાળિયા કેનાલ હેઠળ આવતા કેનાલના વિવિધ ફાટિયાંમાં સફાઈના અભાવે માટી ભરાઈ ગઈ છે. ખેડૂતોને રવિપાક માટે પાણીની જરૂરિયાત પડશે. પણ કેનાલોની હાલત કંડમ હોવાથી ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચી શકશે નહી. તેથી આ વિસ્તારના ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

સરહદી એવો વાવ-થરાદ જિલ્લો સિંચાઈ માટે નર્મદા કેનાલના પાણી પર નિર્ભર છે. શિયાળાની સિઝનમાં કેનાલ મારફતે મળતા પાણીના ભરોસે ખેડૂતો જીરું, એરંડા, ઈસબગુલ અને રાયડા સહિતના રવિ પાકોનું વાવેતર કરે છે. ત્યારે શિયાળુ સિઝન નજીક આવી હોવા છતાં કેનાલોની સાફ-સફાઈ અને રિપેરિંગની કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે. કુંડાળિયા કેનાલના રજવાડા વિસ્તારમાં આવતા બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત નંબર સહિતના ફાટિયાંમાં માટી ભરાઈ ગઈ છે. ફાટિયાંની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી તેમજ કેટલીક જગ્યાએ તૂટફૂટની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કેનાલમાં પાણી છોડવામાં આવશે તો પાણીનો પ્રવાહ અવરોધાવાની સાથે તૂટેલા ભાગોમાંથી પાણી બહાર વહી જવાની શક્યતા છે.

આ વિસ્તારના ખેડૂતોના કહેવા મુજબ દર વર્ષે શિયાળા પહેલા કેનાલોમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરવા, જાડ કટીંગ, માટી કાઢવા, ગાબડાં પૂરવા અને તૂટેલી કેનાલોના રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે. પરંતુ આ વખતે હજુ સુધી પૂરતી કામગીરી થઈ નથી. આ અંગે નર્મદા વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી તંત્ર નિષ્ક્રિય છે.

ખેડૂતોએ કુંડાળિયા વિસ્તારમાં માત્ર કેનાલ સફાઈ જ નહીં પરંતુ નિયમિત સિંચાઈનું પાણી આપવા પણ માંગ કરવામાં આવી છે. કેનાલોમાં પાણી છોડ્યા બાદ લાંબો સમય પાણી બંધ રહેતું હોવાથી ખેતી ઉપરાંત પશુપાલન માટે પણ મુશ્કેલી ઊભી થાય છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં પાણીનો પુરવઠો નિયમિત રાખવામાં આવે તેવી માંગ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular