Homeગુજરાતીદેશ-વિદેશઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વિદેશી કર્મચારીઓની વેઠિયા મજુરો સાથે કરી સરખામણી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વિદેશી કર્મચારીઓની વેઠિયા મજુરો સાથે કરી સરખામણી

વોશિંગ્ટન, 9 સપ્ટેમ્બર 2026: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે દેશની અગ્રણી આઈટી કંપનીઓ સામે લાલ આંખ કરી છે. તેમણે માઇક્રોસોફ્ટ સહિતની કંપનીઓ પર એચ-1બી વિઝા વ્યવસ્થાનો દુરુપયોગ કરવાનો અને અમેરિકી નાગરિકોની રોજીરોટી છીનવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વેન્સના જણાવ્યા મુજબ, આ કંપનીઓ સ્થાનિક અમેરિકી કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને તેમની જગ્યાએ ઓછા પગારે વિદેશી વર્કર્સની ભરતી કરી રહી છે. તેમણે આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા અમેરિકા લાવવામાં આવતા કર્મચારીઓની સરખામણી ‘બંધુઆ મજૂર’ (વેઠિયા મજૂરો) સાથે કરી હતી.

જેડી વેન્સના જણાવ્યા અનુસાર, એચ-1બી વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓને સમાન પદ પર કામ કરતા અમેરિકી નાગરિકો કરતાં સરેરાશ 20,000 ડોલર ઓછો પગાર ચૂકવવામાં આવે છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે વિદેશી આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા લાવવામાં આવતા કર્મચારીઓના કિસ્સામાં આ તફાવત 48,000 ડોલર સુધી પહોંચી જાય છે. કંપનીઓ પોતાના ખર્ચ ઘટાડવા અને વેતનનું સ્તર નીચું રાખવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.

માઇક્રોસોફ્ટ પર આકરા પ્રહારો કરતા વેન્સે જણાવ્યું હતું કે, કંપનીએ વર્ષ 2025માં અંદાજે 6,000 અમેરિકી કર્મચારીઓની છટણી કરી હતી. આમ છતાં, તે જ સમયગાળા દરમિયાન કંપનીએ 6,000થી વધુ એચ-1બી વિઝા મંજૂર કરાવ્યા હતા. આ ઉપરાંત, માઇક્રોસોફ્ટે વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ (સ્થાયી નિવાસ) અપાવવા માટે 3,682 લેબર સર્ટિફિકેશન અરજીઓ કરી હતી, જેમાંથી લગભગ 1,000 પદો એવા હતા જેના પર પહેલાં અમેરિકી નાગરિકો કાર્યરત હતા.

  • ટીસીએસ, ઇન્ફોસિસ સહિતની કંપનીઓ પર કાર્યવાહી

અમેરિકી પ્રશાસને માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ માઇક્રોસોફ્ટ ઉપરાંત દેશ-વિદેશની અગ્રણી આઈટી કંપનીઓ માટે ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ સાથે જોડાયેલી પ્રક્રિયાને સ્થગિત કરી દીધી છે. આમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, કોગ્નિઝન્ટ, એચસીએલ ટેકનોલોજીસ, કેપજેમિની અને એડોબ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. અમેરિકી શ્રમ વિભાગ મુજબ, આ કંપનીઓની નવી લેબર સર્ટિફિકેશન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં અને હાલમાં પેન્ડિંગ અરજીઓ પર પણ આગળની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં.

આઈટી કંપનીઓ સિવાય અમેરિકી પ્રશાસને હાર્વર્ડ, યેલ અને સ્ટેનફોર્ડ સહિત દેશની 9 પ્રખ્યાત યુનિવર્સિટીઓ સામે પણ તપાસ શરૂ કરી છે. શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી’એસ્પોસિટોના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ તપાસમાં એ જોવામાં આવશે કે વિદેશી વિદ્યાર્થીઓને લાવવાના બહાને સ્થાનિક અમેરિકીઓના વેતન ઘટાડવાનું કોઈ કાવતરું કે વિઝા નિયમોનું ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું ને.

  • એચ-1બી વિઝા અને ગ્રીન કાર્ડ વચ્ચે શું તફાવત છે?

એચ-1બી વિઝા: આ વિઝા દ્વારા વિદેશી પ્રોફેસનલ્સ અમેરિકામાં માત્ર અસ્થાયી ધોરણે નોકરી કરી શકે છે.
ગ્રીન કાર્ડ: ગ્રીન કાર્ડ મળવાથી વિદેશી નાગરિકને અમેરિકામાં સ્થાયી રીતે રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળે છે.

એચ-1બી વિઝા હોવાથી આપોઆપ ગ્રીન કાર્ડ મળતું નથી. તે માટે કંપનીઓએ લેબર સર્ટિફિકેશન પ્રક્રિયા પૂરી કરવી પડે છે, જેમાં કંપનીએ સાબિત કરવું પડે છે કે તે ચોક્કસ પદ માટે લાયક અમેરિકી કર્મચારી ઉપલબ્ધ નથી.

અમેરિકી સરકારની આ કાર્યવાહી એચ-1બી વિઝાને સંપૂર્ણપણે બંધ કરવા માટે નથી, પરંતુ ગ્રીન કાર્ડ માટે જરૂરી લેબર સર્ટિફિકેશન પ્રક્રિયા પર રોક લગાવવા પૂરતી સીમિત છે. તેથી, વર્તમાન એચ-1બી વિઝા ધારકોની નોકરી કે વિઝા તરત જ રદ થશે નહીં. જોકે, જે કર્મચારીઓ ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકામાં કાયમી વસવાટ કરવા માંગે છે તેમના માટે ભવિષ્યનો રસ્તો મુશ્કેલ બની શકે છે.

  • ટીસીએસનો દાવો: ‘અમારા કામકાજ પર કોઈ અસર નહીં પડે’

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટી સર્વિસ (ટીસીએસ) એ સ્પષ્ટતા કરી છે કે ગ્રીન કાર્ડ પ્રક્રિયા પરના પ્રતિબંધથી તેમની ભરતી વ્યૂહરચના કે ગ્રાહકોના કામકાજ પર કોઈ મોટી અસર પડશે નહીં. ટીસીએસએ જણાવ્યું કે તેઓ અમેરિકામાં સ્થાનિક પ્રતિભાઓને નોકરી આપવા માટે ‘કેમ્પસ રિક્રૂટમેન્ટ’ મોડેલ પર ભાર મૂકી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં અમેરિકામાં 15,000 સ્થાનિક લોકોની ભરતી કરવાની યોજના ધરાવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular