
પાકિસ્તાનઃ પેટ્રોલના ભાવ વધારા વચ્ચે કર્મચારીની વિચિત્ર માંગણી, ગદર્ભ ઉપર ઓફિસ પહોંચવાની રજૂઆત
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય કટોકટી બાદ હવે આર્થિક કટોકટી ઉભી થઈ છે. તેમજ ઈંધણના ભાવમાં પણ સતત વધી રહ્યાં છે. પેટ્રોનનો ભાવ પર રૂ. 200ના આંકડાને પાર થઈ ગયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સા હળવા થયાં છે. દરમિયાન ઈસ્લામાબાદ એરપોર્ટના એક કર્મચારીએ સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ) સમક્ષ વિચિત્ર માંગણી કરી છે. તેણે તંત્ર સમક્ષ ગદર્ભ એટલે કે ગધેડા ઉપર ઓફિસ પહોંચવાની માંગણી કરી હતી.
પાકિસ્તાનમાં પેટ્રોલની વધતી કિંમતો લોકો માટે મુસીબત બની ગઈ છે. જે મુદ્દાઓ પર શાહબાઝ સરકાર સત્તામાં આવ્યા હતા તે જ મુદ્દા હાલ તેમના માટે પડકાર બની ગયા છે. હાલમાં જ સરકારે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે જે લોકો માટે મોટો ફટકો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈસ્લામાબાદ એરપોર્ટના કર્મચારી આસિફ ઈકબાલે સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ)ને પત્ર લખીને જણાવ્યું હતું કે, પેટ્રોલની કિંમતમાં વધારો થતા પોતાના વાહનથી ઓફિસ પહોંચવુ શક્ય નથી. દેશમાં મોંઘવારી વધવાની સાથે ઓથોરિટીએ ટ્રાન્સપોર્ટ સુવિધા બંધ કરી દીધી છે.જેથી ગદર્ભ ગાડી મારફતે ઓફિસ આવવા માટે મંજૂરી આપો. તંત્ર દ્વારા પેટ્રોલ ભથ્થુ અને પિક એન્ડ ડ્રોપ સેવા બંધ કરવામાં આવી છે.
દરમિયાન સીએએના ઉચ્ચ અધિકારીએ આસિફ ઈકબાલની વિચિત્ર માંગણીને સ્ટંટ ગણાવ્યો હતો. તેમજ ઘોડા કે ગદર્ભ ગાડીને બદલે ઈસ્લામાબાદ-રાવલપીંડીમાં પરિવહન કરવાનું સૂચન કર્યું હતું. આસિફ ઇકબાલની વિચિત્ર મંગણીને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.
(Photo-File)