Site icon Revoi.in

ભારતમાં ફરીથી પાકિસ્તાની સેલિબ્રીટીઓના એક્ટિવ થયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

Social Share

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા છે. પહેલગામ હુમલાને પગલે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલા કર્યાં હતા. બીજી તરફ ભારતમાં પાકિસ્તાની સેલિબ્રીટીઓના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, અચાનક આ પ્રતિબંધ હટ્યો હતો જેના પરિણામે ભારત સરકાર વધી એક્ટીવ બની હતી તેમજ ગણતરીના કલાકોમાં જ આ તમામ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર ફરીથી પ્રતિબંધ ફરમાવી દીધો હતો.  જેમાં શાહિદ આફ્રિદી અને હાનિયા આમિર સહિત ઘણી સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બુધવારે થોડા કલાકો માટે પાકિસ્તાની સ્ટાર્સના એકાઉન્ટ્સ ભારતમાં દેખાવા લાગ્યા હતા. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ ગુરુવારે ફરીથી પાકિસ્તાની સ્ટાર્સના એકાઉન્ટ્સ ભારતમાં દેખાવાનું બંધ થઈ ગયું હતું. શાહિદ આફ્રિદી, ફવાદ ખાન કે માહિરા ખાનના એકાઉન્ટ્સ સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે, ‘આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી.’ જોકે, આ બાબતે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હાનિયા આમિરે તાજેતરમાં ભારતીય અભિનેતા દિલજીત દોસાંઝ સાથે ફિલ્મ સરદાર જી 3 માં કામ કર્યું છે. આ અંગે ઘણો વિવાદ થયો હતો. ભારતમાં પણ હાનિયાનું એકાઉન્ટ પ્રતિબંધિત છે. તેની સાથે, માહિર ખાન, ફવાદ ખાન, શાહિદ આફ્રિદી, માવરા હોકેન, સબા કમર અને અલી ઝફર સહિત ઘણા સ્ટાર્સના એકાઉન્ટ ભારતમાં દેખાતા નથી.