વૈશ્વિક મંચ પર આલોચનાનો ભોગ બની રહેલું પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી. પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાતે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાની સરહદો ઉપરાંત અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, 28-29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાના ગોળીબારનો ભારતીય સેનાએ સંતુલિત અને અસરકારક રીતે જવાબ આપ્યો છે.
27-28 એપ્રિલની રાત્રે પણ ગોળીબાર કર્યો હતો
આ પહેલા પણ, 27-28 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના કર્યો છે. મંગળવારે કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર થયો હતો, જ્યારે સોમવારે કુપવાડા અને પૂંછના સરહદી વિસ્તારોમાં ગોળીબાર થયો હતો. હકીકતમાં, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શુક્રવારથી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પરથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
26-27 એપ્રિલની રાત્રે પણ પાકિસ્તાની સૈન્ય ચોકીઓ તરફથી ગોળીબાર
26-27 એપ્રિલની રાત્રે, તૂત મારી ગલી અને રામપુર સેક્ટરના વિસ્તારોમાં પાકિસ્તાની સૈન્ય ચોકીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. છેલ્લા 5 દિવસથી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પરથી ગોળીબાર ચાલુ છે. દર વખતે, ભારતીય સેના પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહી છે.
તંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે ભારત
હકીકતમાં ભારત આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આતંકવાદીઓ સામે થઈ રહેલી કાર્યવાહીથી પાકિસ્તાન નારાજ છે અને આ હતાશામાં તે નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. ભારતીય સેનાની વધતી શક્તિથી પાકિસ્તાન પણ ચિંતિત છે.
ભારત-ફ્રાન્સ વચ્ચે રાફેલ મરીન ફાઇટર જેટ ડીલ અંગે પાકિસ્તાન ચિંતિત
નવી દિલ્હીમાં સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ મરીન ફાઇટર જેટ માટેની ડીલ થઈ. આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે ભારતે આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે પાકિસ્તાન ખૂબ જ ચિંતિત છે. રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે આ ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ડીલ છે. આ ડીલ હેઠળ, ફ્રાન્સ ભારતીય નૌકાદળને 26 રાફેલ મરીન (M) ક્લાસ ફાઇટર એરક્રાફ્ટ સપ્લાય કરશે. અંતિમ ડીલ મુજબ, ફ્રાન્સ દ્વારા ભારતીય નૌકાદળને 26 રાફેલ મરીન ફાઇટર જેટ પહોંચાડવામાં આવશે. જેમાંથી 22 ફાઇટર જેટ સિંગલ-સીટર હશે. ચાર ટ્વીન-સીટર વેરિઅન્ટના ટ્રેનિંગ રાફેલ વિમાન પણ નૌકાદળને પહોંચાડવામાં આવશે. આ વિમાનો ટ્રેનિંગ માટે પણ ઉડાન ભરશે.