Homeગુજરાતીદેશ-વિદેશપાકિસ્તાનઃ જેલમાં બંધ ઈમરાન ખાનની હત્યાનું કાવતરુ ઘડી રહી છે સરકાર, પૂર્વ...

પાકિસ્તાનઃ જેલમાં બંધ ઈમરાન ખાનની હત્યાનું કાવતરુ ઘડી રહી છે સરકાર, પૂર્વ પીએમના પુત્રોનો આક્ષેપ

ઈસ્લામાબાદ, 28 ઓગસ્ટ 2026: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટ કપ્તાન ઈમરાન ખાનના પુત્રો કાસિમ અને સુલેમાને પાકિસ્તાન સરકાર પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. બંનેએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન સરકાર જેલમાં બંધ તેમના પિતાને ખતમ કરવાની કોશિશ કરી રહી છે. પ્રખ્યાત અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના અહેવાલ મુજબ, ઈમરાન ખાનના પુત્રોએ જેલમાં તેમના પિતાની સુરક્ષા અને તેમની સાથે થઈ રહેલા વ્યવહારને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, સરકારનું વર્તન એવું છે જેનાથી તેમના પિતાના પ્રાણને ગંભીર જોખમ ઊભું થયું છે.

73 વર્ષીય ઈમરાન ખાન છેલ્લા 3 વર્ષથી જેલમાં બંધ છે. ઓગસ્ટ 2022માં વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ તેમના પર અનેક કાનૂની કેસો દાખલ થયા હતા, ત્યારથી તેઓ અલગ-અલગ કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાસિમ અને સુલેમાન એ ઈમરાન ખાનના પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથના પુત્રો છે, જેઓ લાંબા સમયથી પાકિસ્તાનમાં પોતાના પિતાની સુરક્ષા માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. આ આક્ષેપોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ઈમરાન ખાનની જેલની સ્થિતિને લઈને સવાલો ઉભા કર્યા છે. અહેવાલમાં ઈમરાન ખાનના શાનદાર ક્રિકેટર તરીકેના ભૂતકાળનો પણ ઉલ્લેખ કરાયો છે, જેમની કપ્તાનીમાં પાકિસ્તાને 1992 માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો અને બાદમાં તેમણે રાજકારણમાં પ્રવેશ કરીને વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

  • પીટીઆઈએ ગણાવ્યું રાજકીય બદલાની ભાવના

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ’ (PTI) અને તેમના સમર્થકોનું માનવું છે કે ઈમરાન ખાન વિરુદ્ધ થઈ રહેલી કાનૂની કાર્યવાહી સંપૂર્ણપણે રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે. બીજી તરફ, પાકિસ્તાની સરકાર આ તમામ મામલાઓને નિયમિત કાનૂની પ્રક્રિયાનો ભાગ ગણાવતી રહી છે. ઈમરાન ખાનના પુત્રોના આ નિવેદનથી પાકિસ્તાન સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ વધુ એકવાર વધી ગયું છે, કારણ કે લાંબા સમયથી કેદમાં રહેલા ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને દુનિયાભરમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular