
‘પાકિસ્તાન એક સંપ્રભુ રાષ્ટ્ર છે, તેની પણ ઇજ્જત છે, હાથમાં બંદુક રાખીને ફરવાથી ઉકેલ નહીં આવેઃ મણિશંકર ઐય્યર
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેના કારણે કોંગ્રેસ પાર્ટીને નુકસાન વેઠવું પડી શકે છે. મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ અને તેને ઈજ્જત આપવી જોઈએ કારણ કે તેમની પાસે એટમ બોમ્બ છે. અય્યરે કહ્યું કે જો પાકિસ્તાનને ઈજ્જત ન આપવામાં આવી અને કોઈ પાગલ નેતા ત્યાં આવી ગયો તો તે પરમાણુ હથિયારો કાઢી શકે છે.
પાકિસ્તાન એક સાર્વભૌમ દેશ છે: મણિશંકર અય્યર
મણિશંકર અય્યરે કહ્યું કે પાકિસ્તાન પણ એક સંપ્રભુ રાષ્ટ્ર છે અને તેની પણ ઈજ્જત છે. એ ઈજ્જતને જાળવી રાખતા તમે જેટલી કઠોરતાથી વાત કરવા માંગતા હોવ કરો, પણ વાત તો કરો. પરંતુ તમે હાથમાં બંદૂક લઈને ફરી રહ્યા છો અને તેનાથી કોઈ ઉકેલ નહીં મળે, ફક્ત તણાવ વધે છે. કોઈ ત્યાં પાગલ આવી જશે તો શું થશે દેશનું. તેની પાસે એટમ બોમ્બ છે.
તેમને સન્માન આપ્યું તો તેઓ બોમ્બ વિશે નહીં વિચારે
મણિશંકર અય્યરે કહ્યું કે હા આપણી પાસે પણ પરમાણુ બોમ્બ છે. પરંતુ કોઈ પાગલે લાહોર સ્ટેશન પર બોમ્બ ફોડ્યો. 8 સેકન્ડમાં તેની રેડિયો એક્ટિવિટી અમૃતસર પહોંચી જશે. તમે તેને તેનો ઉપયોગ કરતા અટકાવો. જો તમે તેની સાથે વાત કરી, તેને માન આપ્યું તો તે બોમ્બ વિશે નહીં વિચારે. પરંતુ જો તમે તેમને નકારી દીધું, તો કોઈ પાગલ જો ત્યાં આવી ગયો તો તે બોમ્બ કાઢશે.