
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ પાકિસ્તાન પોતાની હરક્તા કરવાનું છોડતું નથી. પાકિસ્તાન મરીન એજન્સીએ પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ્સ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું છે. સૌરાષ્ટ્રના માછીમારો ઘણી વખત દરિયો ખેડતા આંતર રાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યારે પાક. મરીન દ્વારા માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીનની ફરી નાલાયકી સામે આવી છે. ઈન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈન પાસેથી પાકિસ્તાને સૌરાષ્ટ્રની 6 ફિશિંગ બોટ અને તેની સાથે 35 જેટલા માછીમારોના અપહરણ કર્યાછે. પોરબંદરની 5 તેમજ ઓખાની એક મળી કુલ 6 ફિશિંગ બોટ અને 35 માછીમારોને પાકિસ્તાનીઓ લઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું તેમની બોટ્સ સાથે અપહરણ કરવામાં આવે છે જેમાં સૌથી વધુ બોટો પોરબંદરની હોય છે તેથી પકડા પકડીનો ખેલ અટકાવવા થોડા સમય પહેલા પોરબંદરમાં બોટ માલીકો અને બોટ એશોસીએશન સાથે એસઓજીએ બેઠક યોજી હતી. જેમાં નક્કી કરવમાં આવ્યું હતું કે આઇએમબીએલ ઉપર ભારતીય બોટો તથા માછીમારોના અપહરણના બનાવો બનતા અટકાવવા તેમજ આઇએમબીએલ ક્રોસ કરી ફીશીંગ ન કરવા અંગે માછીમારીમાં જતી બોટોના ટંડેલ તથા ખલાસીઓને બોટ માછીમારીમાં રવાના થાય ત્યારે આઇએમબીએલ ક્રોસ કરી ફીશીંગ નહીં કરવા સુચના આપવામાં આવી હતી.
જે ખલાસીઓ ફિશીંગમાં જાય ત્યારે તેઓના ઓળખપત્રોની કોપી તેમજ તેઓના મોબાઇલ નંબરની ખાસ નોંધ રાખવા, માછીમારી કરવા જતી બોટોના ટંડેલ ખલાસીઓને 16 નંબરની ચેનલ જામ નહીં કરવા અને 20 નંબરની ચેનલનો ઉપયોગ કરવા સુચના આપવી તેમજ ટોલ ફ્રી નંબર 1093 નો મહત્તમ રાષ્ટ્ર સુરક્ષામાં ઉપયોગ કરવાનું સુચન આપવામાં આવ્યું હતું. આવી બેઠકો અવારનવાર થતી રહે છે અને માછીમારો પણ અનેક સાવધાની રાખે છે જોકે પાકિસ્તાન તેની નાલાયકી છોડી શકતું નથી પરીણામે ભારતીય માછીમારોને હાલાકી સહન કરવાનો વારો આવે છે.