પાકિસ્તાની હિન્દુ શરણઆર્થીઓને નાગરિકતાની સાથે ઘર પણ મળવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત જાતિના હિન્દુ શરણાર્થીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનથી પીડિત થઈને આવેલા આ લોકોને માત્ર નાગરિકતા આપવી પૂરતી નથી, પરંતુ સરકાર તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય ઘર મળે તેની પણ ખાતરી કરે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈને કેસની વિગત આપતા જણાવ્યું કે, દિલ્હીના મજનૂ કા ટીલા વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી પાકિસ્તાની હિન્દુઓના અંદાજે 250 પરિવારો અને 1000 જેટલા લોકો કેમ્પમાં રહી રહ્યા છે. આ લોકો પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન અને અત્યાચારનો ભોગ બન્યા બાદ ભારત આવ્યા છે. તાજેતરમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) એ આ વિસ્તાર ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી, જેના વિરુદ્ધ શરણાર્થીઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
એડવોકેટ જૈને વધુમાં ઉમેર્યું કે, અગાઉ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં હતો. હાઈકોર્ટે DDA અને શહેરી વિકાસ મંત્રાલય સાથે અનેકવાર પરામર્શ કર્યો હતો, પરંતુ અધિકારીઓ કોઈ સ્પષ્ટ નીતિ (Policy) ઘડવામાં નિષ્ફળ રહ્યા હતા. હાઈકોર્ટે પણ અમલદારશાહીના વલણ સામે નિરાશા વ્યક્ત કરી હતી અને આખરે અરજી ફગાવી દીધી હતી, જેના પગલે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે DDA ના નોટિસ પર સ્ટે આપતા સવાલ કર્યો હતો કે, “જ્યારે આ લોકોને નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતની નાગરિકતા મળી ગઈ છે, તો પછી તેમને અહીં રહેવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ?”
સોમવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને આદેશ આપ્યો છે કે, સરકારના ઉચ્ચ સ્તરે આ મામલે ચર્ચા કરવામાં આવે અને શરણાર્થીઓના પુનર્વસન માટે યોગ્ય ઉકેલ શોધવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નાગરિકતા પામેલા આ લોકોને રહેવા માટે કોઈ ચોક્કસ જગ્યા ફાળવવી સરકારની જવાબદારી છે. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.


