પાકિસ્તાનની ફજેતી: બાંગ્લાદેશ સામે વનડે ઇતિહાસના સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ
મીરપુર, 11 માર્ચ 2026: બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમ માટે પ્રથમ વનડે મેચ એક શરમજનક યાદ બની ગઈ છે. મીરપુરમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશી બોલરોના તરખાટ સામે પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. આખી ટીમ માત્ર 30.4 ઓવરમાં 114 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, જે બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે ક્રિકેટમાં પાકિસ્તાનનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. આ અગાઉ બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો લઘુત્તમ સ્કોર 161 રનનો હતો, જે તેણે વર્ષ 1999માં નોંધાવ્યો હતો. આ મેચમાં 114 રન પર ઓલઆઉટ થતાની સાથે જ પાકિસ્તાને પોતાનો 27 વર્ષ જૂનો નબળો રેકોર્ડ તોડી નાખ્યો છે.
પાકિસ્તાને આ મેચમાં ચાર નવા યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપી હતી, પરંતુ તમામ નિષ્ફળ રહ્યા હતા. સાહિબજાદા ફરહાન ઓપનિંગમાં આવી માત્ર 27 રન બનાવી શક્યો હતો. જ્યારે માજ સદાકત બીજી ઓપનર તરીકે માત્ર 18 રનનું યોગદાન આપી શક્યો હતો. પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર ગણાતા બાબર આઝમની જગ્યાએ નંબર 3 પર રમવા આવેલા શામિલ હુસૈન માત્ર 4 રન બનાવી આઉટ થયા. મિડલ ઓર્ડરમાં આવેલા અબ્દુલ સમદ 6 બોલ રમ્યા છતાં ખાતું પણ ખોલાવી શક્યા નહીં.
બાંગ્લાદેશ તરફથી યુવા ફાસ્ટ બોલર નાહિદ રાણા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પાકિસ્તાનના ઉપરના ક્રમના ત્રણેય ડેબ્યુટન્ટ્સને આઉટ કર્યા હતા અને કુલ 5 વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. તેને સાથ આપતા મેહદી હસને પણ 3 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી એક પણ મોટી ભાગીદારી જોવા મળી નહોતી. સૌથી મોટી પાર્ટનરશિપ ઓપનિંગ વિકેટ માટે માત્ર 41 રનની રહી હતી. ત્યારબાદ છેલ્લી વિકેટ (10મી) માટે 32 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે સ્કોર 100ને પાર કરી શક્યો હતો.
આ પણ વાંચોઃ કોચ્ચિમાં પીએમ મોદીએ માછીમાર સમુદાયને ગણાવ્યા બ્લૂ ઈકોનોમીના રક્ષક


