પાકિસ્તાનની ફરી નાપાક હરકત: જમ્મુ સીમા પર ભારતીય ડ્રોન પર કર્યું ફાયરિંગ
નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર ઉશ્કેરણીજનક કૃત્ય સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહેલા ‘રિમોટલી પાઈલોટેડ એરક્રાફ્ટ’ (આરપીએ/ડ્રોન) પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જોકે, ભારતીય ડ્રોન આ હુમલામાં સુરક્ષિત રીતે પરત ફર્યું છે અને કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
અહેવાલ મુજબ, ગત રાત્રે જમ્મુના કનાચક સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓ પરથી કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 4 રાઉન્ડ પાકિસ્તાની પોસ્ટ ‘ખેરી’ અને 1 રાઉન્ડ ‘અસલમ’ પોસ્ટ પરથી છોડવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર, ભારતીય આરપીએ પોતાના વિસ્તારમાં નિયમિત સર્વેલન્સ (સોર્ટી) પર હતું, તે દરમિયાન પાકિસ્તાને આ કાયરતાપૂર્ણ હરકત કરી હતી. ડ્રોન સુરક્ષિત રીતે પરત આવતા પાકિસ્તાનનો મનસૂબો નિષ્ફળ રહ્યો છે.
પાકિસ્તાની સીમા દળોની આ હરકતથી બન્ને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે હિંસક સંઘર્ષ જોવા મળ્યો હતો. ખાસ કરીને પહેલગામ હુમલા બાદથી બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટરાસ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આવી નાની ઉશ્કેરણી પણ ગમે ત્યારે મોટા યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે. પાકિસ્તાનનું આ વર્તન અત્યંત બિનજવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનની આ હરકત બાદ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ હાઈ એલર્ટ પર છે. સરહદી વિસ્તારોમાં સઘન તલાશી અભિયાન (સર્ચ ઓપરેશન) ચલાવવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે હુમલાને રોકવા માટે જવાનોને આદેશ આપી દેવામાં આવ્યા છે. ભારત તરફથી પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃ કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત


