
દિલ્હીઃ પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીતસિંગ ચન્નીએ પોતાની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મને સુરક્ષા આપવા માટે એક હજાર સુરક્ષા કર્મચારીઓની જરૂર નથી. સરકારી વિભાગોમાં કામને લઈને સીએમ આક્રમક જોવા મળી રહ્યાં છે. મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ પહેલી બેઠકમાં તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને સવારે 9 કલાકે ઓફિસ પહોંચી જવાના આદેશ કર્યાં હતા.
પંજાબના એક વિશ્વવિદ્યાલયમાં સંબોધન દરમિયાન સીએમ ચન્નીએ કહ્યું હતું કે, પોતોના ભાઈઓથી બચવા માટે સેનાની જરૂર નથી. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું કે, હું તમારામાંનો એક છું અને મારે મારા ભાઈઓથી સુરક્ષા માટે 1000 સુરક્ષા કર્મચારીઓની જરૂર નથી. મારી સુરક્ષામાં ઘટાડો કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સીએમએ જીવના જોખમની શકયતાને નકારીને કહ્યું કે, હું સામાન્ય માણસ છું અને દરેક પંજાબી ભાઈ છે. કાર્યભાળ સંભાળ્યા બાદ સુરક્ષા માટે 1000 સુરક્ષા કર્મચારીઓ હોવાનું જાણી ચોંકી ઉઠ્યો હતો. આ સરકારી સાધનોનો ખોટો ઉપયોગ છે. તેની મંજૂરી આપી શકાય નહીં. મારા પંજાબી મને શુ નુકશાન પહોંચાડી શકે છે. હું પણ તેમની જેમ સામાન્ય વ્યક્તિ છું. લકઝુરિયર્સ લાઈફ જીવવાનો શોક નથી. તેમજ અધિકારીઓને પણ કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો કરવા માટે તાકીદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કેપ્ટને સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીતની પસંદગી કરવામાં આવી હતી. તેમજ બીજા જ દિવસે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લઈને એક્ટિવ મોડમાં આવેલા ચરણજીતસિંહએ સરકારી અધિકારી-કર્મચારીઓને લઈને કેટલાક નિર્દેશ કર્યાં હતા.